Jai Hind

વેરાવળ પાલીકાની છેલ્લી જનરલ બેઠક યોજાઇ

ર7 જેટલા ઠરાવ રજુ કરાયા: વિપક્ષનું સહકારભર્યુ વલણ

વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા ની વર્તમાન બોડીની આખરી જનરલ બોર્ડની બેઠક પ્રમુખ પલ્લવીબેન જાની ના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. દોઢ કલાકથી વધુ સમય સુધી ચાલેલી આ બેઠકમાં શહેરના વિકાસ, નાગરિકોની પ્રાથમિક સુવિધાઓ અને વહીવટી મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા ઓ કરવામાં આવી હતી.આ બેઠકમાં એજન્ડા મુજબ તેમજ પ્રમુખ સ્થાને થી કુલ 27 જેટલા ઠરાવો રજૂ કરવામાં આવ્યા હતા. શહેરના વિકાસને લગતા મોટાભાગના ઠરાવ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા, જે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે સહકાર ભર્યું વાતાવરણ દર્શાવે છે. આ બેઠકમાં કુલ 44 સભ્યો પૈકી ભાજપના 22 સભ્યો હાજર રહ્યા હતા, જ્યારે 5 સભ્યો ગેરહાજર હતા અને 4 સભ્યોના રજા રિપોર્ટ રજૂ કરાયા હતા. કોંગ્રેસના 10 સભ્યો બેઠકમાં હાજર રહ્યા હતા અને 3 સભ્યોના રજા રિપોર્ટ રજૂ થયા હતા.બેઠક દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષ ના સદસ્યો વચ્ચે પીવાના પાણી, સફાઈ, રસ્તા, લાઇટિંગ અને અન્ય પ્રાથમિક સુવિધાઓ અંગે તંદુરસ્ત અને તર્ક સભર ચર્ચાઓ થઈ હતી. આ ચર્ચાઓમાં અનેક મુદ્દાઓ પર સ્પષ્ટતા અને સૂચનો પણ આપવામાં આવ્યા હતા.જનરલ બોર્ડ બેઠકમાં ઇન્ચાર્જ ચીફ ઓફિસર દેવીબેન ચાવડા સહિત નગરપાલિકાના તમામ વિભાગોના બ્રાન્ચ હેડ્સ હાજર રહ્યા હતા. તમામ વિભાગો દ્વારા તેમના વિભાગ સંબંધી મુદ્દાઓ પર જરૂરી માહિતી અને સ્પષ્ટતા આપવામાં આવી હતી.