દીવ તરફથી આવતા બાઇકે દંપતીને હડફેટે લીધા, સારવાર અર્થે ખસેડાયા
ઉના તાલુકાના કેસરિયા-દીવ રોડ પર સોનારી ગામ નજીક એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. બે બાઇક વચ્ચે થયેલી ટક્કરમાં કુલ ચાર વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. આ રોડ અકસ્માત ઝોન તરીકે જાણીતો છે, જ્યાં અવારનવાર નાના-મોટા અકસ્માતો થાય છે. દીવ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા ૠઉં 32 અઋ 1584 નંબરના ડબલ સવારી બાઇકે, કેસરિયાથી ભીંગરણ જઈ રહેલા ૠઉં 32 અઊ 0318 નંબરના બાઇકને હડફેટે લીધું હતું. પ્રથમ બાઇક પર રાહુલ ભાલીયા (ઉ.વ. 22) અને રામજીભાઈ બાબુભાઈ કવાડે સવાર હતા. જ્યારે બીજા બાઇક પર બાલુભાઈ ભીખાભાઈ બાંભણીયા (ઉ.વ. 56) અને તેમના પત્ની ગીતાબેન બાલુભાઈ બાંભણીયા (ઉ.વ. 50) હતા, જેઓ પુત્રીના લગ્નની કંકોત્રી આપીને પરત ફરી રહ્યા હતા.
આ અકસ્માતમાં ચારેય વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત આઘેડ દંપતી બાલુભાઈ અને ગીતા બેનને 108 એમ્બ્યુલન્સ દ્વારા ઉના ની સરકારી હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે વેળાકોટના બંને યુવાન રાહુલ અને રામજીભાઈ ને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતની જાણ થતા ઉના પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.ઉલ્લેખનીય છે કે, ગત 19 નવેમ્બરના રોજ આ જ રોડ પર ત્રિપલ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા. તેમ છતાં, તંત્ર દ્વારા અકસ્માતો નિવારવા માટે કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી. આ વિસ્તારના રહીશો દ્વારા સ્પીડ બ્રેકર મૂકવાની અનેક વખત માંગણી કરવામાં આવી હોવા છતાં, હજુ સુધી તે મૂકવામાં આવ્યા નથી, જેના કારણે વારંવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે.