ડમી નામથી વાંધા ફોર્મ રજૂ થતા તપાસની માંગણી: ખોટી રીતે કોઈ મતદારનું નામ કમી નહીં થાય : મામલતદાર
ગઢડા(સ્વામીના) શહેરમાં નવી મતગણતરી અને ફાઇનલ મતદાર યાદી બનાવવાની ચાલી રહેલી કામગીરી દરમિયાન અંદાજે 1100 જેટલા લઘુમતી સમાજ સહિતના મતદારોના નામ કમી કરી મતદાનથી વંચિત રાખવાનું ષડયંત્ર બહાર આવતા ભારે રોષ પૂર્વક લઘુમતી સમાજે મિટિંગ યોજી મામલતદાર સમક્ષ રજૂઆત કરી કાવતરા ખોરોની તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવા માંગણી કરતા મતદાર યાદીની કામગીરી સામે અનેક પ્રશ્નાર્થ ઊભા થવા પામેલ છે.
આ અંગે વધારે જાણવા મળતી વિગત અનુસાર ફાઇનલ મતદારયાદી સંદર્ભે કેટલાક મતદારો કાયમી સ્થળાંતર કરી ગયા હોવા મતલબની રજૂઆત કરી વાંધા ફોર્મ રજૂ થયા હોવાનું રેકર્ડ ઉપર આવેલ છે. આ વાંધો રજૂ કરનાર જુદા જુદા વ્યક્તિના નામથી એક સાથે અનેક મતદારોના નામ સામે વાંધો રજૂ કરી મતદારો કાયમી સ્થળાંતર કરી ગયા હોવાની માહિતી દર્શાવવામાં આવી છે. પરંતુ ખરેખર ધ્યાન ઉપર આવેલી હકીકત મુજબ સ્થાનિક મતદારો વર્ષોથી શહેરમાંજ વસવાટ કરી રહ્યા હોય અને સ્થળાંતર નહીં કરેલ હોવા છતાં ખૂબ મોટી સંખ્યામાં સાચા મતદારો વિરુદ્ધ કેટલાક લોકોના નામથી ફોર્મ રજૂ કરી ખોટી માહિતી દર્શાવી અસંખ્ય મતદારોના નામ કમી કરાવી મતદાનથી વંચિત રાખવાનું આયોજન પૂર્વક ષડયંત્ર થયું હોવાની શંકાથી ભારે રોષ વચ્ચે વાતાવરણ ઉગ્ર બની ગયું છે. આ સમગ્ર મામલે લઘુમતી સમાજના આગેવાન અને ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ કક્ષા સુધી સક્રિય ઈરફાનભાઈ ખીમાણી પરિવારમાંથી પિતા મજીદભાઈ ખીમાણી અને પુત્ર આદિલ ખીમાણી નું નામ કમી કરવા માટે રજૂ થયેલા વાંધા ફોર્મની વિગત બહાર આવતા આશ્ચર્ય સાથે પૂરી તપાસ કરતા અસંખ્ય લઘુમતી મતદારોના નામ સામે વાંધો રજૂ કરવામાં આવ્યો હોવાનું જાહેર થયું હતું. ફોર્મ સાત મારફતે વાંધો રજુ કરવા માંગતા અરજદાર તરફથી ફક્ત પોતાનું નામ અને ચૂંટણી કાર્ડ નંબર દર્શાવવામાં આવેલ છે. આ માટે ફરજિયાત આધારકાર્ડ પણ રજૂ કરવાની જોગવાઈના અભાવે કોઈપણ વ્યક્તિ ખોટા નામથી વાંધો રજૂ કરી મતદારોના નામ ખોટી રીતે કમી કરાવી શકે તેવી વ્યવસ્થાના કારણે મતદારયાદીની સાચી કામગીરી સામે અત્યંત સંવેદનશીલ બાબત બહાર આવી છે. અધૂરામાં પૂરું વાંધો રજૂ કરનાર કેટલાક વ્યક્તિને શોધીને પૂછપરછ કરતા પોતે કોઈ વાંધો રજૂ નહીં કર્યો હોવાનું અને પોતાના નામનો દુરુપયોગ કરીને ખોટી માહિતી રજૂ કરી હોવાની કબૂલાત સોગંદનામું પણ રજૂ કરવામાં આવ્યું છે. ત્યારે લોકશાહીમાં નાગરિકોને મળતા બંધારણીય હક્ક ઉપર તરાપ મારવા ઇચ્છતા લોકોની તપાસ સીસીટીવી ફૂટેજ સહિત જરૂરી સોર્સના માધ્યમથી કરવામાં આવે અને પોલીસ સહિત કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત લઘુમતી સમાજ તથા કોંગ્રેસ અને ભોગ બનનાર મતદારો તરફથી કરવામાં આવી છે. આ બાબતે મામલતદાર સિદ્ધરાજસિંહ વાળાનો સંપર્ક કરતા પોતાના સમક્ષ રજૂ થયેલી બાબતો ધ્યાન ઉપર લઈને યોગ્ય નિરીક્ષણ કરી કોઈ સાચા મતદારોને અન્યાય નહીં થાય તેવી ખાતરી વ્યક્ત કરાઈ હતી. હતું. આ રજૂઆત માટે ગઢડા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ હિંમતભાઈ કટારીયા, કનુભાઈ જેબલિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ વેલાણી, વિપક્ષ નેતા મિતભાઈ ડાંગર, વશરામભાઈ તાવિયા, તાલુકા પ્રમુખ રમેશભાઈ સોલંકી સહિતના જોડાયા હતા. તેમજ લઘુમતી સમાજના આગેવાનો અશરફભાઈ લાખાણી, ઉસ્માનભાઈ સૈયદ, રફિકભાઈ કાજી, આદિલ ખીમાણી, શરીફભાઈ વોરા સહિતનાએ મોટી સંખ્યામાં જોડાઈને સમાજ વતી અલગ આવેદનપત્ર પાઠવ્યું હતુ.