18મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા-2026 સંપન્ન
32.14 મિનિટના સમય સાથે સિનિયર બહેનોમાં યુપીની તામસી સિંઘ પ્રથમ અને જુનિયર બહેનોમાં બંદના યાદવ પ્રથમ
58.16 મિનિટમાં સિનિયર ભાઈઓમાં ગુજરાતના વસાવા અનિલ પ્રથમ અને જુનિયરમાં દિવાકર રાજભર પ્રથમ
જોશ અને જુસ્સા સાથે રાજ્યના સૌથી ઊંચા પર્વત ગિરનારને સર કરવા આજે દેશના 12 રાજ્યોના 516 સ્પર્ધકોએ દોટ મૂકી હતી. જેમાં ભાઈઓના સિનિયર અને જુનિયર વિભાગમાં ગુજરાતનો દબદબો રહ્યો હતો, જ્યારે બહેનોના સિનિયર અને જુનિયર વિભાગમાં ઉતરપ્રદેશની બહેનોએ મેદાન માર્યું હતું
જૂનાગઢના હિમાલયના ભીષ્મપિતા સમાન ગિરનાર પર 18 મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો આજે વહેલી સવારે 6-45 કલાકે ભાઈઓના પ્રથમ ચરણની સ્પર્ધાનો કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, મેયર ધર્મેશભાઈ પોશિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન પલ્લવીબેન ઠાકર, કમિશનર તેજસ પરમાર, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, દંડક કલ્પેશ અજવાણી, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ અગ્રણી યોગેન્દ્ર પઢિયાર સહિતના મહાનુભાવોએ આકાશમાં ત્રિરંગા બલૂન ફ્લાય કરી અને ફ્લેગ ઓફ કરી ખુશનુમા વાતાવરણમાં ઉત્સાહભેર પ્રારંભ કરાવ્યો હતો. જેમાં દેશભરના 516 જેટલા સ્પર્ધકોએ ગુજરાતના સૌથી ઊંચા ગિરનાર પર્વતને સર કરવા માટે જોમ જુસ્સા સાથે દોટ મૂકી હતી.
આ સ્પર્ધા 4 કેટેગરીમાં યોજાઈ હતી. જેમાં સિનિયર ભાઈઓમાં 189, જુનિયર ભાઈઓમાં 128, જુનિયર બહેનોમાં 116 અને જુનિયર બહેનોમાં 83 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સિનિયર-જુનિયર ભાઈઓ માટે અંબાજી સુધીના 5500 પગથિયા અને સિનિયર જુનિયર બહેનો માટે માળી પરબ સુધી 2200 પગથિયાની સ્પર્ધા યોજાઈ હતી.
ભારતની ખૂબ જ કઠિન અને જોખમી ગણાતી આ સ્પર્ધામાં સિનિયર બહેનોમાં પ્રથમ ક્રમે 32.14 મિનિટના સમય સાથે ઉત્તર પ્રદેશની તામસી સિંઘે મેદાન માર્યું હતું. સિનિયર ભાઈઓમાં પ્રથમ ક્રમે ગુજરાતના વસાવા અનિલે 58.16 મિનિટમા, જયારે જુનિયર બહેનોની કેટેગરીમાં પ્રથમ ક્રમે 37.20 મિનિટના સમય સાથે ઉત્તર પ્રદેશની બંદના યાદવ અને જુનિયર ભાઈઓમાં પ્રથમ ક્રમે 60.52 મીનીટ ના સમય સાથે ગુજરાતના દિવાકર રાજભરે પ્રથમ ક્રમ હાસિલ કર્યો હતો.
યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત અખિલ ભારતીય ગિરનાર સ્પર્ધામાં સિનિયર ભાઈઓ બહેનો અને જુનિયર ભાઈઓ બહેનોની કુલ -4 કેટેગરીમાં પ્રથમ ક્રમે વિજેતા થનારને રાજ્ય સરકાર દ્વારા રૂ. 1 લાખનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ઉપરાંત ઉક્ત ચારેય કેટેગરીમાં ટોપ -10માં સ્થાન પ્રાપ્ત કરનાર સ્પર્ધકોને કુલ રૂ. 19 લાખના પુરસ્કાર, પ્રમાણપત્ર અને ટ્રોફી મંગલનાથ આશ્રમ ભવનાથ ખાતે યોજાયેલ ઈનામ વિતરણ સમારોહમાં પદાધિકારીઓ – અધિકારીઓના હસ્તે વિતરીત કરવામાં આવ્યા હતા.
18મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં સીનીયર બહેનોમાં પ્રથમ ક્રમે 32.14 મિનિટના સમય સાથે ઉત્તર પ્રદેશની તામસી સિંઘ, બીજા ક્રમે ઉતરપ્રદેશની નેહા મીશ્રાએ 38.55 મીનીટમા ,ત્રીજા ક્રમે ગુજરાતના વેગડ કાજલ એ 39.26 મીનીટમાં, સીનીયર ભાઈઓમાં ગુજરાતના વસાવા અનિલે 58.16 મિનિટમા, બીજા ક્રમે ગુજરાતના વસાવા ઈનેશ એ 59.16 મીનીટ સાથે, ત્રીજા ક્રમે દીવના વીજ્ઞનેશ ચીમનલાલ એ 60.19 મીનીટના સમય સાથે, જુનીયર બહેનોમાં પ્રથમ ક્રમે 37.20 મિનિટના સમય સાથે ઉત્તર પ્રદેશની બંદના યાદવ, બીજા ક્રમે ગુજરાતના કઠેસીયા અસ્મીતા 37.36 મીનીટ સાથે, ત્રીજા ક્રમે ગુજરાતના સોલંકી કાજલ 38.7 મીનીટના સમય સાથે, જુનીયર ભાઈઓમાં પ્રથમ ક્રમે 60.52 મીનીટ ના સમય સાથે ગુજરાતના દિવાકર રાજભર, બીજા ક્રમે ગુજરાતના વીમલ વણઝારા 64.10 મીનીટ સાથે ,ત્રીજા ક્રમે ઉતરપ્રદેશના અંકુરભાઈ એ 65.19 ના સમય સાથે ગિરનાર સર કર્યો હતો.
સિવિલ હોસ્પિટલની 5 મેડિકલ ટીમો આરોગ્ય સેવા માટે ખડેપગે રહી
અખિલ ભારતીય ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં કઠિન પરિસ્થિતિમાં પણ સ્પર્ધકો ઉત્સાહભેર ભાગ લઈ ગિરનાર સર કરે છે. આ સ્પર્ધામાં ગંભીર ઈજા થવાની પણ શક્યતાઓ રહેલી હોય છે. સ્પર્ધકોને સમગ્ર રૂટ ઉપર જરૂરી તબીબી સેવા મળી રહે તે માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલની 5 મેડિકલ ટીમ દ્વારા સ્પર્ધકોને જરૂરી આરોગ્ય સેવાઓ આપવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલના ફિઝીશીયન ડો. નીધી રામાણીએ જણાવ્યું હતું કે, આ કઠિન સ્પર્ધામાં સ્પર્ધકોને જરૂરી સારવાર માટે 5 ટીમો દ્વારા આરોગ્ય સેવાઓ આપવામાં આવી હતી. જેમાં ગિરનારની સીડીઓ ઉપર પણ સ્પર્ધા દરમિયાન કોઈ સ્પર્ધકને સારવારની જરૂર પડ્યે તબીબી સેવા આપી શકાય તે માટે સીડી ઉપર 3 ટીમ રહી હતી અન્ય બે ટીમ દ્વારા મંગલનાથ આશ્રમ ખાતેથી સ્પર્ધકોને આરોગ્ય સેવા આપવામાં આવી હતી. આ કઠીન સ્પર્ધામાં સ્પર્ધકોને નસ સડીજવી, મસલ ક્રેમ્પ્સ જેવી ઈજાઓ થતી હોય છે. ડોક્ટરો સાથેની મેડીકલ ટીમ દ્વારા ડાયક્લોફિનાક જેલ, સ્પ્રે, ગ્લુકોઝ પાવડર અને ગરમ પટા, બાંધી જરૂરી સારવાર આપવામાં આવી હતી.