મેળાને દિવ્ય, ભવ્ય અને નવી ઉંચાઈ પર લઈ જવા તંત્ર સજ્જ : કલેક્ટર
જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓની સંલગ્ન અધિકારીઓ સાથે બેઠક યોજી સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. ત્યાર બાદ જિલ્લા કલેકટર એ મહાશિવરાત્રીના મેળા સંદર્ભે માધ્યમ કર્મીઓને વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના માર્ગદર્શનમાં મહાશિવરાત્રીના મેળાને વધુ દિવ્ય અને ભવ્ય બનાવવા અને નવી ઊંચાઈ પર લઈ જવા માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે. આ સાથે જ ભાવિકોને સારી સુવિધાઓ મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહ્યું છે.
જિલ્લા કલેકટર એ જણાવ્યું હતું કે, જૂનાગઢમાં 11મી ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી યોજાનાર મહાશિવરાત્રીના મેળાના ભવ્ય આયોજન માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શનમાં પૂર્વ તૈયારીઓ કરવામાં આવી રહી છે. અને આ વર્ષે મહાશિવરાત્રીના મેળાનો વિસ્તાર પણ વધારવામાં આવ્યો છે, ભવનાથ સુધી સીમિત રહેલા આ મેળાને ભરડાવાવ અને ગિરનાર દરવાજા સુધી વિસ્તારવામાં આવ્યો છે, અહીં વિશેષ સુશોભનો, લાઇટિંગ, સેલ્ફી પોઇન્ટ વગેરે આકર્ષણો ઊભા કરવામાં આવશે, સાથે જ એક ભક્તિમય માહોલ બને તે તેવી વ્યવસ્થા રહેશે.
જિલ્લા કલેકટર એ મહાશિવરાત્રીના મેળામાં ઉમેરાઈ રહેલા નવા આયામો સંદર્ભે જણાવ્યું કે, આ વર્ષે રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર સંતોના આગમનના વધામણા – સ્વાગત કરવા માટે તા.11મી ફેબ્રુઆરીએ સાંજે સંતોની ભવ્ય નગર પ્રવેશ યાત્રા યોજાશે. ત્યારબાદ મહાઆરતી અને ધર્મ સભાનું પણ આયોજન કરવામાં આવશે. તથા મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકોને સાધુ-સંતોના દર્શનનો લાભ મળી રહે તે માટે જે રવેડીનો રુટ 1.5 કિલોમીટરનો હતો તેને વધારીને 2 કિલોમીટરનો કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.
મહાશિવરાત્રીના મેળા દરમિયાન ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે, આ વર્ષે જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામેના પાર્કિંગના ગ્રાઉન્ડમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં યોજાશે, અહીં વિશાળ મંડપ તૈયાર કરવામાં આવશે, જ્યાં 5 થી 6 હજાર લોકો એક સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનો આનંદ માણી શકશે.
જિલ્લા કલેકટર એ વધુમાં જણાવ્યું કે, મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકો માટે 25 જેટલા અલગ અલગ પાર્કિંગ નક્કી કરવામાં આવ્યા છે. જ્યાં અંદાજે 18000 વાહનો પાર્ક કરી શકાશે. ઉપરાંત સિનિયર સિટીઝન કે અશક્ત લોકો માટે ઈ – વ્હીકલની પણ વ્યવસ્થા રાખવામાં આવશે. આ ઉપરાંત મહાશિવરાત્રીનો મેળો સ્વચ્છ મેળો બની રહે તે માટે પણ સફાઈ માટે ત્રણ ગણી વ્યવસ્થા કરવામાં આવી છે ઉપરાંત સુરક્ષા માટે પોલીસ સ્ટાફમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. આશરે 3000 જેટલો પોલીસ સ્ટાફ તૈનાત રહેશે.
જિલ્લા કલેકટર એ પાર્કિંગ સાથે જ પાર્કિંગમાં પાણી, ટોયલેટ, સીસીટીવી, સિક્યુરિટી, સફાઈ સહિતની વ્યવસ્થાઓની કામગીરીની સમીક્ષા કરી હતી. ટ્રાફિક નિયમન સહિતની બાબતોને ધ્યાને રાખીને ક્રેઈનની વ્યવસ્થા માટે જરૂરી સૂચનાઓ આપી હતી. તેમજ મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકોની જરૂરી ખ્યાલ મળી રહે તે માટે જૂનાગઢના પ્રવેશદ્વારો પર થી જ મેળા અંગેના સાઈન બોર્ડ મુકવા ઉપરાંત જિલ્લા કલેક્ટર પીવાના પાણી, આરોગ્ય, પરિવહન સેવા, સાંસ્કૃતિક કાર્યક્રમ, સફાઈ, પુરવઠો, લાઇટિંગ સુશોભન સહિતની વ્યવસ્થાઓ સંદર્ભે વિગતવાર માર્ગદર્શન કરવાની સાથે જરૂરી નિર્દોષો આપ્યા હતા.
આ સાથે કલેક્ટર એ મહાશિવરાત્રીના મેળાના આયોજનમાં રોકાયેલા અધિકારીઓને મહાશિવરાત્રીના મેળાનું જે ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે, ત્યારે ભાવિકોને સારી સુવિધાઓ મળી રહે તે માટે સ્થળ પર જઈ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા પણ સૂચના આપી હતી. જિલ્લા કલેકટર એ જવાબદારીપૂર્વક અને ગંભીરતાથી કામ કરવા ઉપર ભાર આપ્યો હતો.
આ બેઠકમાં કમિશનર તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, નિવાસી અધિક કલેક્ટર સુશ્રી બી.એસ. પટેલ, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
