Jai Hind

ગઢડા(સ્વામીના)નો યુવક પરબે પાણી પીવા જતા મધમાખીઓએ ડંખ મારતા મોત

ફરજ પરના ડોક્ટરે મધમાખીનું ઝેર ફેલાઈ જવા અને રીએકશન જેવી સ્થિતિના કારણે મૃત જાહેર કર્યા

ગઢડા(સ્વામીના) શહેરમાં વાઢાળા ચોક વિસ્તારમાં રહેતા નાસીર ઉર્ફે લાલો ફિરોજભાઈ ચૌહાણ(ઉંમર 30) નું મધમાખી કરડવાથી અચાનક મોત નિપજવા કરૂણ ઘટનાથીે ત્રણ સંતાનના પિતાના મોતથી કરુણાંતિકા ફેલાઈ જવા પામી છે.
આ અંગે વધારે જાણવા મળતી વિગત અનુસાર નાસીરભાઈ ગઈકાલે બાઈક લઈને ઉમરાળા તાલુકાના ટીંબી ગામથી ગઢડા તરફ પરત આવી રહ્યા હતા. ત્યારે ખોપાળા ગામ નજીક પાણીના પરબે પાણી પીવા જતા અચાનક મધમાખી કરડવાની કરૂણ ઘટના બની હતી. મધમાખી કરડતાની સાથે જ તેમની તબિયત ગંભીર રીતે બગડતા તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવેલ. પરંતુ ફરજ પરના ડોક્ટરે મધમાખીનું ઝેર ફેલાઈ જવા અને રીએકશન જેવી સ્થિતિના કારણે મૃત જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે મૃતક નાસીરભાઈ હેર સલૂનનો વ્યવસાય કરતા હતા અને પરિવારનો મુખ્ય આધારસ્તંભ હતા. તેઓ બે પુત્રી અને એક પુત્ર, એમ કુલ ત્રણ નાનાં સંતાનોને છોડી ગયા છે. પિતાની અચાનક છત્રછાયા છીનવાઈ જતા પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.