Jai Hind

જેતપુરનું જેતલસર રેલવે જંકશન રેલવે બાબુઓની તાનાશાહી સામે સજજડ બંધ

જંકશન બચાવો સમિતિના દિનેશ ભૂવા સહિત 6 આગેવાનો પહોંચ્યા દિલ્હી: રાજ્યમંત્રી મનસુખ માંડવીયાના સહકાર વચ્ચે રેલવે મંત્રિ અશ્ર્વિની વૈષ્ણવને કરાશે રજૂઆતો

જેતપુર તાલુકાના જેતલસર જંકશનમાં દિવસે દિવસે રેલવે સુવિધાઓ બંધ કરીને જેતલસર જંકશનને ભાંગવામાં થતા રેલ બાબુઓના પ્રયાસના વિરોધમાં જંકશનમાં છેલ્લા સાત દિવસ થયા પ્રતિક ઉપવાસ આંદોલન ચાલુ કરવામાં આવ્યું છે છતાં જાડી ચામડીના રેલવે તંત્રના એક પણ અધિકારીએ ઉપવાસીઓની મુલાકાત લીધી નથી. બીજી બાજુ આજે પ્રતીક ઉપવાસ આંદોલનના સાતમા દિવસે જેતલસર જંકશન બચાવો સમિતિના આગેવાનોને અપીલથી જંકશનના લોકોએ સ્વયંભૂ સજ્જડ બંધ પાડીને મૂંગા મોંએ રેલવે તંત્ર સમક્ષ રોષ પ્રદર્શિત કર્યો હતોજેતલસર જંકશનને ખાંધર્મ ફેરવવા માટે છેલ્લા એક બે વર્ષથી લાગતા વળગતા રેલવે અધિકારીઓ દ્વારા રીતસરની કવાયત ચાલુ કરાઈ છે. દિવસેને દિવસે જેતલસર જંક્શન ભાંગતું જાય છે. એક વખત હજારો કર્મચારીઓથી ધમધમતા જેતલસર જંકશનમાં હાલના દિવસોમાં ગણ્યા ગાંઠિયા કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છેક્રમશ: સમયાંતરે રેલ બાબુઓ અહીંની સુવિધા છીનવીને અન્ય શહેરો કે જિલ્લા વિસ્તારમાં રેલવેના ડિવિઝનને આપી દે છે. આ વાત સામે એટલે કે જેતલસર જંકશનને બચાવવા માટે છેલ્લા સાત દિવસથી જંકશન બચાવો સમિતિ દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરાયું છે. આંદોલનના પ્રારંભ પહેલા સમિતિના આગેવાનો તેમજ સમગ્ર જંકશન વાસીઓએ અગાઉ રેલવે બાબુઓ દ્વારા છીનવી લેવાયેલી સુવિધાઓ પુન: શરૂ કરવાની માગણી કરી હતી અને આંદોલનની ચેતવણી આપવામાં આવી હતી. છતાં બેદરકાર રેલવે તંત્રના એક પણ અધિકારીએ રજૂઆત કરનાર સમિતિના કોઈ સભ્યને સહકારાત્મક વલણ દાખવ્યું નથી પરિણામે જંકશનવાસીઓનો રોષ ભભૂકી ઉઠ્યો છે. આજે જંકશન બચાવો સમિતિના આગેવાન હનીફ બલોચની અપીલથી જંકશનના તમામ વેપારીઓએ પોતપોતાના રોજગાર ધંધા સજ્જડ બંધ રાખીને અહીં ચલાવતા પ્રતીક ઉપવાસને ટેકો આપ્યો છે અને જરૂર પડે લડી લેવા પણ તૈયારી રાખવી છે.જેતલસર જંકશનના હનીફ બ્લોચએ જેતલસર ગામના સ્થાનિક અખબારી પ્રતિનિધિનો સંપર્ક કરીને જણાવ્યું હતું કે અખબારી અહેવાલના પડઘે જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ પણ પ્રતીક ઉપવાસીઓની મુલાકાત લીધી હતી. તેમજ પોરબંદરના સાંસદ અને રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવીયાએ પણ પ્રતિક ઉપવાસીનો પ્રશ્ન સાંભળ્યો છે. તેઓએ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે આગેવાનોને દિલ્હીમાં બેઠક ગોઠવવામાં સહકાર આપીને સ્થાનિક અગ્રણી દિનેશ ભુવા સહિત છ આગેવાનોની ટિકિટ બુક કરીને દિલ્હી બોલાવ્યા છે. અહીં મનસુખભાઈ માંડવીયા જેતલસર જંકશનના પ્રશ્નને લડત ચલાવી રહેલા જંકશન બચાવો સમિતિના આગેવાનોની રેલવે મંત્રી અશ્વિની સાથે મુલાકાત કરાવશે. તેમજ જંકશનવાસીઓને માંગણી પરતવે મહત્તમ ધ્યાન આપીને જંકશનને ન્યાય અપાવશે તેવું હનીફ બ્લોચે જણાવ્યું હતું.