પીવાની ટેવ ધરાવતા ભીમરાણાના યુવાનનું ટ્રેન હેઠળ ઝંપલાવીને મોત
ખંભાળિયા તાલુકાના આથમણા બારા ગામે રહેતા ગંભીરસિંહ નવુભા પરમાર નામના 43 વર્ષના ગરાસીયા યુવાને ગઈકાલે મંગળવારે પોતાના ઘરે પોતાના હાથે પાકમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના નાનાભાઈ રાજેન્દ્રસિંહ નવુભા પરમારએ સલાયા મરીન પોલીસને કરી છે.
ટ્રેન હેઠળ મોત
ઓખા મંડળના મીઠાપુર તાબેના ભીમરાણા ગામે રહેતા રઘુભાઈ ઉર્ફે વિશાલ મહેશભાઈ બલદાણીયા નામના 26 વર્ષના દેવીપુજક યુવાનને છેલ્લા એકાદ વર્ષથી વધુ દારૂ પીવાની ટેવ પડી ગઈ હતી. આ બાબતે રઘુ ઉર્ફે વિશાલને તેના ઘરના સભ્યોએ સમજાવ્યું હતું. પરંતુ તેમને આ બાબત મનમાં લાગી આવતા રાત્રિના સમયે સુરજકરાડી વિસ્તારમાંથી પસાર થતી એક ટ્રેનની હેઠળ આવી જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા મહેશભાઈ લખમણભાઈ બલદાણીયાએ મીઠાપુર પોલીસને કરી છે.
ખંભાળિયાના યુવાન
પર ધોકા વડે હુમલો
ખંભાળિયાના ભઠ્ઠી ચોક વિસ્તારમાં રહેતા સાજીદભાઈ ફિરોજભાઈ રૂંઝા નામના 28 વર્ષના યુવાનની અત્રે ચાર રસ્તા વિસ્તારમાં આવેલી દુકાને વિશાલ લગારીયા, ચીકુ તેમજ અન્ય બે અજાણ્યા શખ્સોએ અપ્રવેશ કરી, અને આ દુકાનમાં રહેલા લાકડાના ધોકા વડે તેમના ઉપર હુમલો કર્યો હતો.
એટલું નહીં, આરોપીઓએ મૂઢ ઈજાઓ પહોંચાડી, ઢીકાપાટુનો માર માર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ખંભાળિયા પોલીસમાં નોંધાવવામાં આવી છે.
ફરિયાદી સાહીદે આરોપીના મિત્ર પાસે ઉઘરાણીના 900 રૂપિયા લેવાના હોય, તે બાબતે આરોપીઓ પાસે ઉઘરાણી કરવા છતાં ઉઘરાણીના પૈસા આપતા ન હોય, જે બાબતનું મનદુ:ખ રાખીને ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જે અંગે ખંભાળિયા પોલીસે ભારતીય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, બે અજાણ્યા સહિત તમામ ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો છે.