210 તબીબો/આરોગ્ય કર્મીઓ સેવારત રહેશે: નાકોડા ખાતે આઈ. સી.યુ.ની સુવિધા ઉપલબ્ધ કરાશે: 19 એમ્બ્યુલન્સ તૈનાત રખાશે
આગામી મહાશિવરાત્રી મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓના આરોગ્યની જાળવણી માટે જૂનાગઢ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે. મેળા દરમિયાન કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે આરોગ્ય વિભાગ દ્વારા 28 જેટલા કામચલાઉ દવાખાનાઓ 24*7 કાર્યરત કરવામાં આવશે.મહાશિવરાત્રી મેળામાં દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય તેઓના આરોગ્યની કાળજી રાખવા રાજ્ય સરકારના માર્ગદર્શનમાં તેમજ જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં આરોગ્ય વિભાગના 210 જેટલા અધિકારીઓ, અને તબીબો, કર્મચારીઓ રાત-દિવસ ફરજ બજાવશે.
જૂનાગઢ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા મેળા વિસ્તારમાં કુલ 7 મેડિકલ દવાખાના (જેમાં 1 આઈ.સી.યુ. યુનિટ સામેલ છે) અને 21 પેરા-મેડિકલ દવાખાનાઓ ઊભા કરવામાં આવનાર છે. જેમાં ગિરનાર સીડી ગેટ, ભવનાથ, અને અંબાજી મંદિર જેવા મહત્વના સ્થળો સહિત કુલ 28 પોઈન્ટ્સ પર શ્રદ્ધાળુઓને તાત્કાલિક સારવાર મળી રહેશે. ખાસ કરીને નાકોડા દવાખાના ખાતે આઈ.સી.યુ.ની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત, દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવા માટે 13 એમ્બ્યુલન્સ અને 6 જેટલી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મેળાના વિવિધ રૂટ પર તૈનાત રાખવામાં આવનાર છે.
મેળાના 28 પોઈન્ટ્સ પર તાત્કાલિક સારવાર મળી રહેશે
આરોગ્ય વિભાગ દ્વારા જે સ્થળોએ પેરા-મેડિકલ દવાખાનાઓ ઊભા કરવામાં આવનાર છે. તે સ્થળો જોઈએ તો, નાકોડા દવાખાનુ (આઈસીયુ), જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ સામે રોડ પર રેસ્ટ હાઉસ, પ્રેરણા ધામ, અંબાજી મંદિર (ગિરનાર), જૈન દેરાસર (ગિરનાર), પ્રકૃતિ ધામ, કંટ્રોલરૂમ સામે ભવનાથ, ગિરનાર દરવાજા, ભરડાવાવ, સ્મશાન ત્રણ રસ્તા, પાજનાકા પુલ પાસે, ખાખચોક સામે, નારાયણ ધરા તરફ જતા રોડના નાકા પાસે, રૂપાયતન ત્રણ રસ્તા સર્કલ, ભગીરથ વાડીની જગ્યા પાસે, રીંગરોડ સીતારામ મંદિર પાસે વડલા નીચે, મંગલનાથ બાપુ ની જગ્યાની પાછળના ભાગે ફોરેસ્ટ દિવાલ પાસે, ગિરનાર સીડી ગેટના ગ્રાઉન્ડમાં, જમાલવાડી પાર્કિંગ, કાળુભાઈની વાડી પાર્કિંગ, જીનમ આશ્રમ પ્રાઇવેટ પાર્કિંગ, વાઘેશ્વરી મંદિર પાર્કિંગ, લુહાર જ્ઞાતિની જગ્યાના ખૂણા પાસે, મહેર સમાજ સામે આવકારવાળી ગલીમાં, સાબલપુર ચોકડી (કાયમી માટે કાર્યરત છે), મજેવડી દરવાજા, એસટી બસ સ્ટેન્ડ અંદરના ભાગે, અને રેલ્વે સ્ટેશનમાં દવાખાના કાર્યરત રહેશે.