રાજ્યમંત્રીના હસ્તે ચાંપાથળ અને ફતેહપુરમાં કોમ્યુનિટી હોલનું લોકાર્પણ
અમરેલી તાલુકાના સોનારિયા મુકામે આવેલ નદીની સાફસફાઈ ઝુંબેશનો પ્રારંભ થયો હતો. જેમા રાજ્ય સિંચાઈ વિભાગ દ્વારા અમરેલી જિલ્લાના સોનારીયાથી ચાંદગઢ સુધી અંદાજિત 6 કિલોમીટરની લંબાઈ ધરાવતી નદીમાં ઉગી નીકળેલા ગાંડાબાવળ સહિતની આડશની સફાઈ કરવામાં આવશે. આ પ્રસંગે નદીના પટમાં ઊર્જા અને કાયદો રાજ્ય મંત્રી કૌશિક વેકરીયાના હસ્તે કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં રાજ્યમંત્રીશ્રીએ ખેડૂતોના વર્ષો જૂના પ્રશ્નનું નિરાકરણ આપતા શુભકામનાઓ પાઠવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો આભાર વ્યક્ત કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, નદીમાં આડશના લીધે વહન ક્ષમતા ઘટી જવાથી પૂરની સ્થિતિમાં ખેતીલાયક જમીનમાં વ્યાપક ધોવાણ થતું હતું. આ માટે રાજ્ય સરકારે જરૂરી નાણાકીય જોગવાઈ કરી કામ મંજૂર કરતા આજે આ કાર્ય શરૂ થયું છે. આ વિસ્તારના ખેડૂતોની જમીન ધોવણ થતી અટકશે અને નદીની વહન ક્ષમતામાં વધારો થશે. રાજ્યમંત્રીએ પ્રવાસ દરમિયાન અમરેલી તાલુકાના ચાંપાથળ અને ફતેપુર મુકામે રૂપિયા 10-10 લાખના અનુદાનથી નિર્મિત કોમ્યુનિટી હોલનું સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યુ હતું. આ પ્રસંગે તેમણે ફેતપુર મુકામે પ્રાથમિકશાળાની મુલાકાત લઈ અને 418 જેટલી વ્યાપક સંખ્યા થવા બદલ શાળાના આચાર્ય અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશ પાથર, જિલ્લા પંચાયતના સભ્યો મુકેશભાઈ બગડા, શંભુભાઈ મહિડા, કાળુભાઈ, પ્રવિણભાઈ માંગરોળીયા, તાલુકા પંચાયત અમરેલીના પ્રમુખ કિશોરભાઈ કાનપરીયા, સહિતના અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.