કેટલાક લોકો પર હુમલો કરતા ઇજાગ્રસ્ત: ગૌમાતાને સુરક્ષિત સ્થળે ખસેડાઇ
બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં એક ગાયને હડકવા ઉપડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ હડકાયેલી ગાયે બજારમાં કેટલાક લોકોને ઇજાગ્રસ્ત કર્યા હતા. રાણપુરના ગૌ-નંદી સેવા ગ્રુપે ભારે જહેમત બાદ ગાયનું રેસ્ક્યુ કરીને તેને સુરક્ષિત સ્થળે બાંધી હતી.ઘટનાની જાણ થતાં જ ગૌ-નંદી સેવા ગ્રુપના કાર્યકરો પોતાના સાધનો અને વાહનો સાથે ગાયની શોધખોળમાં લાગી ગયા હતા.ગાયને પકડવા માટે મોડી રાત સુધી અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા હતા.આ કાર્યમાં ગૌ-નંદી સેવા ગ્રુપની સાથે રાણપુરના સામાજિક આગેવાનો પણ જોડાયા હતા. મોટી સંખ્યામાં લોકો પણ આ સમયે એકઠા થયા હતા અને રેસ્ક્યુ ઓપરેશન નિહાળી રહ્યા હતા.રાણપુર શહેરની મેઈન બજાર, ગીબરોડ અને અણીયાળી રોડ સહિતના વિસ્તારોમાં ગૌ-નંદી સેવા ગ્રુપ દ્વારા ભારે જહેમત બાદ આ હડકાયેલી ગાયનું મહામહેનતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.રેસ્ક્યુ કર્યા બાદ ગાયને સુરક્ષિત જગ્યાએ બાંધવામાં આવી છે.ગાયને સુરક્ષિત રીતે પકડીને યોગ્ય જગ્યાએ બાંધવામાં આવતા રાણપુર શહેરના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને ગૌ-નંદી સેવા ગ્રુપ તથા સામાજિક આગેવાનોનો આભાર માન્યો હતો.ઉલ્લેખનીય છે કે રાણપુર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગૌ-નંદી સેવા ગ્રુપ આવા અનેક સેવાકીય કાર્યો કરી રહ્યું છે. જેમાં ઇજાગ્રસ્ત પશુ-પક્ષીઓનું રેસ્ક્યુ કરવું, કુવામાં કે કેનાલમાં પડેલા પશુઓને બહાર કાઢવા જેવા કાર્યોનો સમાવેશ થાય છે.ગૌ-નંદી સેવા ગ્રુપના કાર્યકરો અડધી રાત્રે પણ સેવાના ભેખ સાથે રાણપુર શહેર અને પંથકમાં નિ:સ્વાર્થ ભાવે કાર્ય કરી રહ્યા છે. એક પણ રૂપિયો લીધા વિના અબોલ પશુઓ માટેનું તેમનું આ ભગીરથ કાર્ય પ્રશંસનીય છે.સરકારી વહીવટી તંત્ર પણ જરૂર પડ્યે ગૌ-નંદી સેવા ગ્રુપનો સહકાર લે છે, કારણ કે રાણપુરમાં હાલમાં આ ગ્રુપ સૌથી સક્રિય અને જાગૃત સેવાકીય માધ્યમ છે. જેમાં માલધારી સમાજના લોકો અને યુવાનો જોડાયેલા છે.