Jai Hind

કૃષ્ણની વાંસળીએ તો બધાને બોલાવ્યા, તો ગોપીઓ જ કેમ ગઈ…? સમજાવે છે મોરારિબાપુ

દ્વારકામાં શિવજી સાથે કૃષ્ણ અને રામ તત્ત્વના ચિંતન સાથે રામકથા

તીર્થધામ દ્વારકામાં શિવજી સાથે કૃષ્ણ અને રામ તત્ત્વના ચિંતન સાથે રામકથા ’માનસ કૃષ્ણ અવતાર’ લાભ મળી રહ્યો છે. કૃષ્ણની વાંસળીએ તો બધાને બોલાવ્યા, તો ગોપીઓ જ કેમ ગઈ…? શ્રી મોરારિબાપુ આ ભાવ સમજાવે છે.દ્વારકાધીશના ધામમાં ગત ગુરુવારથી રામકથા ’માનસ કૃષ્ણ અવતાર’ ગાન કરતાં શ્રી મોરારિબાપુ શિવજી સાથે કૃષ્ણ અને રામ તત્ત્વના ચિંતન સાથે સનાતન શાસ્ત્રનો મહિમા વર્ણવી રહ્યાં છે.પતંજલિ સૂત્રોના ઉલ્લેખ વર્ણન સાથે શ્રી મોરારિબાપુએ સત્યનો મહિમા વર્ણવ્યો. સત્ય આપણી પ્રતિષ્ઠા કરે તે માટે પ્રેમ તત્ત્વ પર ભાર મૂક્યો. કૃષ્ણની વાંસળીએ તો બધાને બોલાવ્યા, તો ગોપીઓ જ કેમ ગઈ…? શ્રી મોરારિબાપુ આ બાબત ભાવ સમજાવતા હળવી રીતે કહે છે, કે ગોપીઓ ગઈ અને ગોપાઓ અર્થાત્ પુરુષો કેમ ન ગયાં? કારણ એ હતું કે ગોપીઓ સિવાય બધાં અન્ય ચર્ચા કાર્યોમાં એટલે તમોગુણમાં રત હતાં, જ્યાં આ સુર ન સંભળાયા, જેથી ગોપીઓ આ તત્ત્વ પામી શકી.શ્રી મોરારિબાપુએ હરિશ્ચંદ્ર અને તારામતી પ્રસંગનું કરુણા ભર્યું દર્શન કરાવી સત્યની સ્થિતિ ભારપૂર્વક સમજાવી. બ્રહદારણ્ય ઉપનિષદનાં ઉલ્લેખ સાથે મૌન અને અમૌન એ મુનિ એમ જણાવ્યું.વાણીના પાંચ આભૂષણો, જે શાસ્ત્રોક્ત છે, તે સમજાવતા શ્રી મોરારિબાપુએ સત્ય બોલવું, પ્રિય બોલવું, હિત થાય તેમ બોલવું, મિત બોલવું અને વિવાદ ન થાય તેમ બોલવું, એમ પાંચ સંદેશા આપ્યાં. આ સાથે પરમના આશ્રય માટે ધનાશ્રય, જડાશ્રય, ધર્માશ્રય, દેહાશ્રય સહિતના વિવિધ આશ્રય છૂટી જાય તે સાંપ્રત ઉદાહરણો સાથે સમજાવાયુ.તીર્થધામ દ્વારકામાં સંતો, મહંતો, ભજનિકો, કળા ઉપાસકો સહિત ભાવિકો ઉમટી રહ્યાં છે અને દ્વારકાધીશ દર્શન સાથે આ રામકથા રસપાન અને પ્રસાદ લાભ મોટી સંખ્યામાં લઈ રહ્યાં છે.