Jai Hind

તાલાલામાં વેપારી ભાઈઓ દુકાન આગળ સી.સી.ટીવી કેમેરા લગાવે: વાહનો વ્યવસ્થિત રાખવા પોલીસની અપીલ

તાલાલા પોલીસ સ્ટેશનમાં વેપારી ભાઈઓ સાથે પી.આઈ.ની અગત્યની બેઠક: જરૂરી સૂચનો કર્યા

તાલાલા શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ સંગીન બને,ટ્રાફિક સમસ્યા થાય નહીં… માટે તાલાલા ઇન્ચાર્જ પી.આઇ શ્રી એ.બી.ગોહિલ ની ઉપસ્થિતિમાં પોલીસ સ્ટેશનમાં વેપારી ભાઈઓની અગત્યની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં ઉપસ્થિત વેપારી ભાઈઓને સંબોધન કરતા પી.આઈ એ જણાવ્યું હતું કે તાલાલા શહેરમાં આવતા જતા અજાણ્યા શખ્સો ઉપર નજર રાખવાની કામગીરી તથા ટ્રાફિક સમસ્યા અટકાવવા…ચોરીના બનાવો બને તો આરોપીને શોધવા…વિગેરે પોલીસ કામગીરીમાં સહભાગી થવા તમામ વેપારી ભાઈઓ તેમની દુકાન તથા વ્યવસાયના સ્થળો આગળ સી.સી.ટીવી કેમેરા લગાવવા તથા દુકાન આગળના ભાગમાં વાહનો ટ્રાફિકને નડતરરૂપ બને નહીં તેવી રીતે પાર્ક કરવા અપીલ કરી હતી.તાલાલા શહેરમાં અસામાજિક તત્વો લોકોને હેરાન પરેશાન કરે,શહેરમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તુરંત પોલીસને જાણ કરવા પી.આઇ એ સૌને અનુરોધ કર્યો હતો.તાલાલા શહેરની આમ જનતાની સુખાકારી માટેની પોલીસ કામગીરીમાં સહભાગી થવા વેપારી ભાઈઓ તથા અગ્રણીઓએ ખાત્રી આપી હતી.
શહેરમાં પીપળવા રોડ,ધારેશ્વર સોસાયટી,લોહાણા મહાજન વાડી પાછળ,લેઉવા પટેલ સમાજ રોડ વગેરે વિસ્તારોમાં જી.આર.ડી જવાનો દ્વારા થતું પેટ્રોલિંગ ઘણા સમયથી બંધ છે જેને કારણે આ વિસ્તારો રાત્રે રેઢાં હોય ચોરીનો ભય રહે છે માટે નગરના ઉપરોક્ત વિસ્તારમાં બંધ થયેલ પોલીસ પેટ્રોલિંગ ફરી શરૂ કરી આ વિસ્તારના લોકોને ભયમુક્ત કરવા બેઠકમાં ઉપસ્થિત અગ્રણીઓ,વેપારી ભાઈઓએ માંગણી કરી હતી્પોલીસે ઘટતું કરવા સૌને ધરપત આપી હતી.