આયુર્વેદિક હેર ઓઈલથી કરેલી શરૂઆત આજે સાતથી વધુ પ્રોડક્ટ્સ સુધી વિસ્તરી
આત્મનિર્ભર સમાજ નિર્માણ માટે મહિલાઓનું યોગદાન ખૂબ જરૂરી છે. મહિલા સશક્તિકરણ આજના સમયમાં વિકસતા સમાજ માટેનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. વેરાવળ ના કે.સી.સી. મેદાનમાં ચાલી રહેલા ‘સ્વદેશી મેળા’માં મૂળ કોડીનારના પરંતુ હાલ અમદાવાદ રહી પોતાના વ્યાપારનું વિસ્તરણ કરતી યુવતી મનસ્વીબહેન પ્રદિપભાઈ છગ અન્ય યુવતીઓ માટે મહિલા સશક્તિકરણની પ્રેરણાસ્ત્રોત બની છે.
વેરાવળ ખાતે નગરપાલિકા દ્વારા કાર્યરત સ્વદેશી મેળામાં મનસ્વીબહેને પોતાની જ બ્રાન્ડ ‘હબ્ર્સ ઈન લીફ’ના માધ્યમથી હેર ઓઈલ, ફેસ પેક, હેર માસ્ક, વેઈટ લૂઝ પાઉડર, ડી-ટેન સોપ વગેરેનું વેચાણ કરી અને સારી આવક મેળવી રહ્યાં છે.
મનસ્વીબહેને પોતાની શરૂઆત એક હેર ઓઈલ વેચવાથી કરી હતી. હાલ તેઓ સાત થી વધુ પ્રોડક્ટ્સનું વેચાણ કરી રહ્યાં છે.
મનસ્વીબહેન પ્રાઈવેટ નોકરી કરતાં હતાં અને ત્યાંથી જ તેમને વ્યાપાર ક્ષેત્રે ઝંપલાવવાનો વિચાર આવ્યો હતો.
મનસ્વીબહેને જણાવ્યું હતું કે, અભ્યાસ બાદ પ્રાઈવેટ નોકરી કરી હતી અને ત્યારે જ મને બિઝનેસ કરવાનો વિચાર આવ્યો હતો. મેં આ પહેલા પણ સરકાર દ્વારા કાર્યરત મેળામાં ભાગ લીધો હતો.
આજે પણ મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય આપતા આ મેળામાં મારો સ્ટોલ કર્યો છે.
સરકારનો આભાર વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે, મને સરકાર દ્વારા સારી તક આપવામાં આવી છે કે આ રીતે હું મારા વ્યાપારનું વિસ્તરણ કરી શકું છું. આ રીતે વધુ ને વધુ લોકો સુધી મારી પ્રોડક્ટ પહોંચી રહી છે.
આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા માટે મહિલાઓની ભૂમિકા અત્યંત મહત્વની બની છે. ત્યારે મનસ્વીબહેનની સફળતા આ માત્ર વ્યક્તિગત સફળતા જ દર્શાવતી નથી, પરંતુ મહિલાઓના સામાજિક અને આર્થિક દ્રષ્ટિએ આવેલા પરિવર્તન યુગનું પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે.