Jai Hind

ભવનાથના ભજન, ભક્તિ અને ભોજનના ત્રિવેણી સંગમ સમા જગ વિખ્યાત મહાશિવરાત્રી મેળાનો વિધિવત પ્રારંભ

“હર હર મહાદેવના ગગનભેદી નારા, “જય જય મહાદેવના જયઘોષ સાથે

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સાધુ સંતોનો ભવ્ય નગર પ્રવેશ કરાવાયો : પ્રથમવાર ભવ્ય ’ડમરૂ યાત્રા’નું આયોજન

પહેલા દિવસથી જ મેળો જામ્યો : પ્રથમ દિવસે જ લાખો ભાવિકો મેળો માણવા 3 કિમી જેટલું પગપાળા ચાલીને ભવનાથ ખાતે પહોંચ્યા : સાધુ, સંતોએ ધુણા ધખાવ્યા, અન્ન ક્ષેત્રો ધમધમતા થયા, ભજનોની જમાવટ શરૂ થઈ

ગરવા ગિરનારની સાનિધ્યમાં જગવિખ્યાત જૂનાગઢના ભવનાથનો પાંચ દિવસીય શિવરાત્રી મેળાનો આજ તા. 11 ના રોજ સવારના 9:30 કલાકે હર હર મહાદેવના ગગનભેદી નારા અને જય જય મહાદેવના જે ઘોષ સાથે પરંપરા મુજબ ભવનાથ મંદિર ઉપર ધ્વજારોહણ બાદ વિધિવત પ્રારંભ થયો છે..
તા. 11ના સવારના 9:30 વાગ્યાથી જુનાગઢના ભવનાથનો ભજન, ભક્તિ અને ભોજન સભર મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થઈ થયો છે. આ અગાઉ સવારે 7 વાગ્યે મહાશિવરાત્રીના મેળામાં આ વર્ષે પ્રથમ વખત શહેરના ભરડાવાવથી ભવનાથ મંદિર સુધીની પદયાત્રા યોજાઈ હતી, જેમાં જુનાગઢના કલેકટર, ધારાસભ્ય, મેયર,.મનપા કમિશનર, ડેપ્યુટી કલેકટર, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા, મનપાના શાસક પક્ષના દંડક, જૂનાગઢ મહાનગર ભાજપના પ્રમુખ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ તથા
હજારોની સંખ્યામાં ભાવિકો “જય જય મહાદેવ” ના નારા સાથે આ પદયાત્રામાં જોડાયા હતા અને ભવનાથ મંદિર ખાતે પહોંચ્યા હતા.
આ પદયાત્રા ભવનાથ પહોંચતા ઇન્દ્રભારતી બાપુ, મહેન્દ્રાનંદ ગીરીબાપુ, ભારદ્વાજ ગીરીબાપુ, હરિહરાનંદ બાપુ, રામદાસ બાપુ, શ્રી કિશનદાસ બાપુ, શ્રી હંસ ગીરીબાપુ, શ્રી મહેન્દ્રાનંદગીરી,શ્રી રામરૂપદાસ બાપુ તેમજ જુના ,આહવાન અને અગ્નિ અખાડા,જુદા જુદા અખાડાના સાધુઓ ઉપરાંત મેયર શ્રી ધર્મેશભાઈ પોશીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ, ઠુંમર, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, કલેકટર અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રીમતી પલ્લવીબેન ઠાકર, પવિત્ર યાત્રાધામ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજા, કમિશનર તેજસ પરમાર, મેળા અધિકારી ચરણસિંહ ગોહિલ, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, અગ્રણી ધવલભાઈ દવે, યોગીભાઈ પઢીયાર સહિતના પદાધિકારી અધિકારી ઉપસ્થિતમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે ધ્વજાનું પરંપરાગત રીતે વિધિવત પૂજન થયું હતું, બાદમાં ભવનાથ મંદિર પર ધ્વજા રોપણ થયું હતું. બાદમાં ભવનાથ શ્રેત્રના તમામ અખાડાઓમાં પણ ધ્વજા રોપણ થયા હતા અને અખાડાઓની સાથે આ મેળાના દર્શનીય એવા સમગ્ર ભારત વર્ષમાંથી સાધુ, સંતો અને ખાસ કરીને નાગા સાધુઓ મોટી સંખ્યામાં જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં પહોંચ્યા છે. તેમણે તપ, ધ્યાન કરવા ધુણા પ્રજ્વલિત કર્યા હતા.
તો બીજી બાજુ ભવનાથના મેળામાં આવતા લાખો ભાવિકોને ભોજન પ્રસાદ અને ઉતારાની વ્યવસ્થા કરતા 350 થી વધુ ઉતારા મંડળો દ્વારા આજ સવારથી હરિહરનો નાદ શરૂ કર્યો છે. અને દેશ-વિદેશમાંથી આવતાં લાખો ભાવિકોને મીઠાઈ, ફરસાણ, પંજાબી, મદ્રાસી અને કાઠિયાવાડી, ગુજરાતી ભાત ભાતના વ્યંજનો અને ચા નાસ્તા તથા શરબત આપી અહીં તૃપ્ત કરાશે
ભજન માટે જગવિખ્યાત ભવનાથનો શિવરાત્રી મેળામાં આ વર્ષે પણ તંત્ર દ્વારા સ્થાનિક અને બહારના ખ્યાતનામ કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમોનુ આયોજન કર્યું છે, ભવનાથ ક્ષેત્રમાં આવેલા તમામ નાના મોટા આશ્રમો અને મંદિરો તથા ઉતારાઓમાં ઉગતા કલાકારોથી લઈને પ્રસિદ્ધ કલાકારોએ આજથી ભજનની રંગત શરૂ કરી દીધી છે, જેની મોજ ભજન પ્રિય લોકો પાંચ દિવસ સુધી માણસે.
આજ મેળાના પ્રથમ દિવસે જ લાખો ભાવિકો ભવનાથનો શિવરાત્રી મેળો માણવા 3 કિમી જેટલું પગપાળા ચાલીને ભવનાથ ખાતે પહોંચ્યા છે, જેને લઈને પહેલા દિવસથી જ મેળો ભારે જામ્યો છે.
આ વખતના મેળાના અનેક આકર્ષણો છે. તંત્ર દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે લગભગ સાટા ત્રણ કિલોમીટરમાં ગોઠવવામાં આવેલી લાઈટ ડેકોરેશ, સેલ્ફી પોઇન્ટ, ફ્લોટ્સ, સમગ્ર મેળાના રૂટમાં વાગતા શિવ ભજનો વાતાવરણને શિવમય બનાવી દે છે.
આ સાથે મેળાના અંતિમ દિવસે રાત્રીના 9 વાગ્યે ભવનાથ શ્રેત્રમાં યોજાનારી હજારો સાધુ-સંતોની શાહી રવેડી અને મૃગીકુંડમાં શાહી સ્નાન મેળાનું મુખ્ય આકર્ષણ વર્ષોથી રહ્યું છે. રહેશે.
આ અલૌકિક મેળામાં આવતા શ્રદ્ધાળુઓને કોઈ પણ અગવડ ન પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વિવિધ સુવિધાઓ સાથે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. અને ’અતિથિ દેવો ભવ:’ની ભાવના સાથે રાજ્ય સરકાર મહાશિવરાત્રી મેળાને ભક્તિ, શક્તિ અને સુવિધાનો ત્રિવેણી સંગમ બનાવી શ્રદ્ધાળુઓને આવકારવા.અને તેમની સુવિધા તથા સુરક્ષા માટે પૂર્ણ સજ્જ છે.