Jai Hind

મૂળીના ભેલાળા અને ચૂડામાં બાઈક અકસ્માતમાં બે લોકોના મોત નિપજયા

ગેસના ટેન્કર અને કારે હડફેટે લેતા બનેલા કરૂણ બનાવો એકને ઈજા થતા સારવારમાં ખસેડાયો

જિલ્લાના મૂળી અને ચૂડા તાલુકામાં અકસ્માતના બે બનાવો સામે આવ્યા છે. જેમાં મૂળીના વીરપર-સરા રોડ પર ગેસના વાહન અડફેટે બાઈકચાલકનું મોત થયુ છે. જયારે ચૂડામાં કાર ચાલકે બે પરપ્રાંતીય મજુરોને ઠોકર મારતા 1નું મોત થયુ છે, બીજાને ઈજા પહોંચી છે.
મૂળી તાલુકાના વેલાળા ગામે રહેતા સુરેશભાઈ ગોરાભાઈ રાઠોડ તા. 10ના રોજ સવારે બાઈક લઈને મુળી તાલુકાના વીરપરથી સરા તરફ જતા હતા. ત્યારે પાછળથી ગેસના વાહને તેમને અડફેટે લીધા હતા.
જેમાં સુરેશભાઈ બાઈક સહિત નીચે પટકાયા હતા. અને ગેસના વાહનના વ્હીલ નીચે આવી જતા તેમનું ઘટનાસ્થળે મોત થયુ હતુ. બનાવની જાણ થતા મૂળી પોલીસ મથકના બીટ જમાદાર પરીક્ષીતસિંહ ઝાલા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને મૃતકની લાશને પીએમ માટે મુળી સરકારી દવાખાને ખસેડી હતી. અને બનાવની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.
જયારે મુળ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના માણકા ગામના 44 વર્ષીય દિનેશભાઈ નશુભાઈ નાયકા હાલ ચુડા તાલુકાના ચોકડી ગામની સીમમાં આવેલ કુલદીપભાઈની વાડીએ રહી ખેતમજુરી કરે છે. જયારે તેમની વાડીની નજીકમાં તેમના વતનના નરેશભાઈ લાલીયાભાઈ નાયકા ખેત મજુરી કરે છે. તા .4-2-26ના રોજ બપોરે બન્ને બાઈક લઈને નવી મોરવાડ ગામના ઓવરબ્રીજ પાસે મચ્છી લેવા ગયા હતા.
જેમાં ઓવરબ્રીજ નજીક બાઈક મુકી રોડ ક્રોસ કરી સામે મચ્છીના વેપારી પાસે જતા હતા. આ સમયે એક ફોરવ્હીલ કારના ચાલકે બન્નેને અડફેટે લઈ ફંગોળ્યા હતા. અને કાર ચાલક ફરાર થઈ ગયો હતો. બન્ને ખેતમજુરોને ઈજા થતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. જેમાં નરેશભાઈ લાલીયાભાઈ નાયકાનું મોત થયુ હતુ. આ અંગે દિનેશભાઈએ ચુડા પોલીસ મથકે અકસ્માત સર્જી ફરાર કાર ચાલક સામે ગત તા. 9મીના રોજ મોડી સાંજે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એચ.સી. જે.બી.વાળા ચલાવી રહ્યા છે.