Jai Hind

ભાણવડમાં પાણી વાળવા બાબતે પરપ્રાંતીય શખ્સ દ્વારા પત્નીની કરપીણ હત્યા

માથામાં પાવડાનો ઘા ઝીંકી-ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી દીધી

મધ્યપ્રદેશ રાજ્યના રતલામ જિલ્લાના કમલપાડા વિસ્તારના મૂળ રહીશ અને હાલ પોરબંદર તાલુકાના સોઢાણા ગામે રહી અને ખેત મજૂરી કામ કરતા નંદરામ સોમા ગરવાલ આદિવાસી નામના 32 વર્ષના શખ્સે સોમવાર તા. 9 ના રોજ બપોરના સમયે ભાણવડ તાલુકાના સણખલા ગામે તેના પત્ની રેખાબેન સાથે ઘઉમાં પાણી વાળવા બાબતે ઝઘડો કરી બોલાચાલી કરી હતી. આ બનાવ બાદ ઉશ્કેરાયેલા નંદરામ ગરવાલે પોતાના પત્ની રેખાબેનને માથામાં લોખંડના પાવડાનો ઘા ઝીંકી દીધો હતો. આટલું જ નહીં, આરોપી દ્વારા પોતાના પત્નીને બેફામ માર મારી, ગંભીર ઇજાઓ પહોંચાડી ગળાના ભાગે હુમલો કરતા અથવા તો ગળું દબાવી દેતા તેમનું મૃત્યુ નિપજાવ્યું હતું. જે અંગેની ધોરણસર ફરિયાદ પ્રતાપભાઈ ભીખાભાઈ કોડીયાતર (ઉ.વ. 35, રહે. અડવાણા)એ નંદરામ સોમા સામે ભાણવડ પોલીસ મથકમાં નોંધાવી હતી. આ બનાવ બનતા અહીંના ડીવાયએસપી વી.પી. માનસેતા તેમજ ભાણવડના પી.આઈ. સી.એલ. દેસાઈ તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તાકીદની કાર્યવાહી કરી, આરોપીની અટકાયત કરી લીધી હતી. ઝડપાયેલા આરોપીને તપાસનીસ પોલીસ અધિકારી પી.આઈ. ચેતન દેસાઈ દ્વારા અદાલતમાં રજૂ કરવામાં આવતા નામદાર અદાલતે આરોપી પતિ નંદરામ સોમા ગરવાલને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.
ખંભાળિયા નજીક કાર અકસ્માતમાં ચાલકનું મૃત્યુ
ખંભાળિયા તાલુકાના આહિર સિંહણ ગામે રહેતા ગોવિંદભાઈ વિક્રમભાઈ ચાવડાના ઘરે મહેમાન આવતા હોવાથી તેઓ દાતા ગામે પોતાની વાડીએ પોતાની જી.જે. 37 એ.બી. 9333 નંબરની મોટરકાર લઈને જમવા ગયા હતા. ત્યાર બાદ તેઓ રાત્રિના સમયે ઘરે પરત ફરતી વખતે વાડી નજીક તેમની કાર આડે એકાએક ભૂંડ ઉતરી આવતા આ ભૂંડને બચાવવા જતા તેમની કાર નજીકમાં આવેલા એક સિમેન્ટના ડિવાઇડર સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં તેમને ગંભીર ઈજાઓ સાથે વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ આહીર સિંહણ ગામના અશ્વિનભાઈ ગોવિંદભાઈ ચાવડા (ઉ.વ. 25) એ અહીંની પોલીસને કરી છે.