ઓખામાં પૈસાની માંગણી કરી માતા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો
ખંભાળિયાના બેઠક રોડ વિસ્તારમાં એક દુકાન પાસે પૈસાની લેતી-દેતી સંદર્ભે વિશાલ નારણદાસ હરદાસાણી, એજાજ સલીમભાઈ સાટી અને અરબાજ અબ્દુલભાઈ સાટી નામના ત્રણ શખ્સો દ્વારા બિભત્સ ગાળો કાઢી, લાકડાના ધોકા વડે માર મારી, ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે કરણભાઈ રસિકભાઈ રાયચુરા (ઉ.વ. 19, રહે. બેઠક રોડ) દ્વારા અહીંના પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
સામા પક્ષે અરબાજ અબ્દુલભાઈ સાટી (ઉ.વ. 22, રહે. ગાયત્રી નગર, પોલીસ લાઈન પાછળ) દ્વારા આરોપી કરણ રસિકભાઈ રાયચુરા, યશ કમલેશભાઈ દતાણી, દિલીપ અરજણભાઈ રૂડાચ, આશિષ કારૂભાઈ ભારવાડીયા અને ભરત કારૂભાઈ ભારવાડીયા સામે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે એજાજ નામના એક યુવાન પાસેથી આરોપી કરણ રાયચુરાને પૈસાની લેતીદેતી બાબતે ઝઘડો થયો હોય, આ બનાવને અનુલક્ષીને ઉપરોક્ત બનાવ બનવા પામ્યો હતો.
આ સમગ્ર પ્રકરણ સંદર્ભે ખંભાળિયા પોલીસે બંને પક્ષે કુલ 8 શખ્સો સામે બી.એન.એસ. તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ એ.એસ.આઈ. જયપાલસિંહ જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.
મારી નાખવાની ધમકી
ઓખાના જુના ભૂંગા વિસ્તારમાં રહેતા ખતુબેન લતીફભાઈ પાલાણી નામના 55 વર્ષના પ્રૌઢ મહિલાના ઘરે તેણીના પુત્ર હુસેન લતીફ પાલાણી (ઉ.વ. 30) એ આવીને બોટ લેવાના તેમજ ઘર ખર્ચ માટેના રૂપિયાની માંગણી કરતા ખતુબેને ના કહી હતી.
આ બાબતનું મનદુ:ખ રાખી, આરોપી હુસેને ખતુબેન સાથે ઝઘડો કરી, બિભત્સ ગાળો ભાંડી હતી. આટલું જ નહીં, ઘરમાં રહેલા લોખંડના પાઇપ વડે ખતુબેનને તેણે બેફામ માર મારી, ફ્રેક્ચર જેવી ઈજાઓ પહોંચાડી હતી. આ ઉપરાંત આરોપી દ્વારા ખતુબેનને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવતા સમગ્ર પ્રકરણ સંદર્ભે ઓખા મરીન પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી.
આ પૂર્વે ગઈકાલે મંગળવારે બપોરે ઉપરોક્ત શખ્સને પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપી લઈ પ્રોહિ. એક્ટ હેઠળ કાર્યવાહી પણ કરી હતી.
મીઠાપુરમાં કારની ઠોકરે બાઈક સવાર ઇજાગ્રસ્ત
મીઠાપુરના ટાટા કંપનીના કાંકરી ગેટ પાસેથી જી.જે. 37 એ. 4123 નંબરના સ્પ્લેન્ડર મોટર સાયકલ પર બેસીને જઈ રહેલા પ્રાગજી જગમાલજી ચુડાસમાના મોટરસાયકલ સાથે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 07 ડી.એમ. 6131 નંબરના એક મોટરકારના ચાલકે અકસ્માત સર્જતા તેમને ફ્રેક્ચર સહિતની ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મીઠાપુર પોલીસે શિવુભા ઘેલુભા ચુડાસમા (ઉવ. 37, રહે. ભીમરાણા) ની ફરિયાદ પરથી મોટરકારના ચાલક સામે ગુનો નોંધ્યો છે.