Jai Hind

જે.સી.જી.સોશિયલ સર્વિસ ટ્રસ્ટ દ્વારા 43મો લગ્નોત્સવ યોજાયો

9 નવયુગલોએ નવજીવનની શરુઆત કરી

હાલના સમયમાં વધતી જતી મોંઘવારી અને લગ્ન પ્રસંગોમાં થતા અતિશય ખર્ચાઓ મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે ચિંતાનો વિષય બન્યા છે. સામાજિક પ્રતિષ્ઠા પાછળ થતા આંધળા ખર્ચને કારણે અનેક પરિવારો દેવાના ડુંગર હેઠળ દબાઈ જતા હોય છે. આ સામાજિક બદીને અટકાવવા અને સમાજમાં જાગૃતિ લાવવાના હેતુથી વિવિધ સમાજો હવે સામુહિક લગ્ન તરફ વળ્યા છે. આ શ્રેણીમાં જૈન સમાજ પણ અગ્રેસર રહ્યો છે. 8 ફેબ્રુઆરીના રોજ જેસીજી સોશિયલ સર્વિસ ટ્રસ્ટના આયોજન હેઠળ 43મો જૈન સમૂહ લગ્નોત્સવ અત્યંત ભવ્ય અને શાસ્ત્રોક્ત વિધિથી સંપન્ન થયો હતો. આ મંગલ પ્રસંગે કુલ 9 નવયુગલોએ નવજીવનની શરૂઆત કરી હતી. આ લગ્નોત્સવની વિશેષતા એ હતી કે યુગલો પાસેથી એક પણ રૂપિયો લીધા વિના, જાનના આગમનથી લઈને ક્ધયા વિદાય સુધીની તમામ વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. દરેક યુગલ માટે અલગ ચોરી અને ગોર મહારાજની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી ધાર્મિક વિધિમાં કોઈ કમી ન રહે. પરિવારજનોની હાજરી જળવાઈ રહે તે માટે દરેક પક્ષને 40 જેટલા ફ્રી પાસ પણ ફાળવવામાં આવ્યા હતા. માત્ર સામાજિક જ નહીં, પરંતુ કાયદાકીય પ્રક્રિયાનું પણ અત્રે પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું હતું. લગ્ન કચેરીમાં નોંધણી માટે જરૂરી દસ્તાવેજો એકત્ર કરી, યુગલોને લગ્નનું પ્રમાણપત્ર મળી રહે તેવી વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી હતી. નોંધનીય છે કે જેસીજી સોશિયલ સર્વિસ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં કુલ 900 જેટલા યુગલોના લગ્ન સફળતાપૂર્વક કરાવવામાં આવ્યા છે.