Jai Hind

બોર્ડની પરીક્ષાની તૈયારીઓ સંદર્ભે ગીર સોમનાથ જિલ્લાની વર્ચ્યૂઅલ સમીક્ષા બેઠક યોજાઈ

કેબિનેટ શિક્ષણમંત્રી ડો. પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ તૈયારીઓની સમીક્ષા કરી

રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.26 ફેબ્રુઆરી 2026થી ધોરણ- 10 (એસ.એસ.સી) અને 12 (એચ.એસ.સી) સામાન્ય-વિજ્ઞાન પ્રવાહની નિયમિત તેમજ રિપિટર/પૃથક/ખાનગી ઉમેદવારોની પરીક્ષાઓ શરૂ થવાની છે.
આ પરીક્ષાઓની તૈયારીઓ સંદર્ભે ઈણાજ ખાતે પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમનભાઈ વાજા અને શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાએ વર્ચ્યુઅલ માધ્યમથી ગીર સોમનાથ સહિત તમામ જિલ્લાઓ સાથે એક મૂલ્યાંકન બેઠક યોજી હતી.
ગીર સોમનાથ કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે મંત્રી સમક્ષ પરીક્ષાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં સુચારૂ રીતે પરીક્ષા યોજાય અને વિદ્યાર્થીઓ શાંતિમય અને તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે એવા હેતુસર પરીક્ષાલક્ષી તમામ આનુષાંગિક તૈયારીઓની વિગતો રજૂ કરી હતી.
કલેક્ટર એ જણાવ્યું હતું કે, જિલ્લાના 49 કેન્દ્રોમાં કુલ 29,511 વિદ્યાર્થીઓ ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા આપશે. આ દરમિયાન પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ અને સુરક્ષા, પરીક્ષા દરમિયાન વીજ પુરવઠો, મોનિટરિંગ, આરોગ્ય વિભાગ સહિતના વિભાગોની તૈયારીઓ વિશે મંત્રી ઓને અવગત કર્યા હતાં.
રાજ્ય સ્તરની બેઠકમાં શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મિલિંદ તોરવણે તેમજ બોર્ડના અધ્યક્ષ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. જેમની સાથે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી.બોરિચા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અશોક પટેલ સહિત પી.જી.વી.સી.એલ, આરોગ્ય વિભાગ સહિત પરીક્ષા વ્યવસ્થા સાથે સંકળાયેલા અધિકારીઓ જોડાયાં હતાં.