Jai Hind

સ્કુલ, સરકારી કચેરી પાસે શ્ર્વાન અંગે વિગત માંગતી સરકાર ! નાયબ શિક્ષણ નિયામક દ્વારા તમામ ડીઇઓને પરીપત્ર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ની પરીક્ષા આગામી તા. 26 ફેબ્રુઆરીથી લેવામાં આવનાર હોય આ પરીક્ષા આડે હવે માત્ર જુજ દિવસો જ બાકી રહ્યા છે ત્યારે રાજયના નાયબ શિક્ષણ નિયામક દ્વારા શાળાઓ અને સરકારી કચેરીઓ પાસે રખડતા શ્ર્વાનોની સંખ્યાનો સર્વે કરવા માટે આદેશ આપવામાં આવેલ છે. આ અંગેનો પરિપત્ર રાજયના તમામ શિક્ષણાધિકારીઓને પણ મોકલી આપવામાં આવેલ છે.
નાયબ શિક્ષણ નિયામક દ્વારા આ અંગેનો પરિપત્ર રાજયભરના તમામ જીલ્લા શિક્ષણાધિકારીઓને મોકલી આપવામાં આવેલા આ પરિપત્રએ શિક્ષણવિદોમાં ખાસ્સી ચર્ચા જગાવી દીધી છે. નાયબ શિક્ષણ નિયામક દ્વારા કરાયેલા આ પરિપત્રમાં જણાવાયું છે કે રાજયની તમામ શૈક્ષણિક સંસ્થાઓ ઉપરાંત હોસ્પીટલો, દવાખાનાઓના વિસ્તારમાં શ્ર્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી ઉપલબ્ધ રાખવી અનિવાર્ય છે. સુપ્રીમ કોર્ટના આદેશના અસરકારક અમલીકરણ સુનિશ્ર્ચિત કરવાના હેતુસર શાળાઓના અધિકાર ક્ષેત્ર હેઠળ આવતી શૈક્ષણિક સંસ્થાઓ, કચેરીઓ, કેમ્પસમાં રહેલા શ્ર્વાનોનો સર્વે તાત્કાલીક કરવા અને આ અંગેનો રીપોર્ટ મોકલી આપવા ગુજરાત પાણી કલ્યાણ બોર્ડે જણાવેલ હોય આ બાબતનો રીપોર્ટ મોકલી આપવા આદેશ કરાયો છે. જોકે રાજકોટ જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા હજુ શાળાઓના આચાર્યોને આ અંગેનો પરિપત્ર મોકલવામાં આવ્યો નથી પરંતુ નાયબ શિક્ષણ નિયામક દ્વારા રાજયભરના તમામ શિક્ષણ અધિકારીઓને આ પરિપત્ર મોકલવામાં આવેલ છે. જેને પગલે અનેક પ્રશ્ર્નો શાળાના આચાર્ય વર્ગમાંથી ઉઠવા પામેલ છે.