રેલવે વિભાગ દ્વારા એન્જીન ચલાવી ટ્રાયલ લેવાઈ: લોકોમાં આશા જાગી
અમરેલીથી ઉપડતી અમરેલી જુનાગઢ તથા વેરાવળ ટ્રેન આશરે એક વર્ષ પહેલાં બ્રોડગેજમાં રૂપાંતર કરવાનાં કારણે 6 માસ માટે બંધ કરવામાં આવી હતી. જેને લઈ અમરેલી, ચલાલા ધારીના લોકોમાં ભારે કચવાટ ઉભો થયો હતો. અને સતત ટ્રેનની આવન જાવનથી ધમધમતાં રેલ્વે સ્ટેશન સુમસામ ભાસતાં હતાં.ત્યારે આ બંધ થયેલ મીટરગેજ ટ્રેન શરૂ કરવા માટે અમરેલીના સાસંદ ભરતભાઈ સુતરીયાને સતત રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારે લોકોની માંગણી સંદર્ભે આ રેલ્વે પ્રશ્ન અમરેલીના સાસંદ દ્વારા લોકસભામાં ઉઠાવવામાં પણ આવ્યો હતો. ત્યારે લાંબા સમયની માંગ પછી આજે એક વર્ષ પહેલાં બંધ થયેલી મીટરગેજ ટ્રેન ચલાલા સુધી શરૂ થવાની આશા ઉભી થવા પામી છે.
લાંબા સમયથી બંધ કરવામાં આવેલ ટ્રેન ફરી શરૂ કરવા માટે થઈ આજે રેલ્વે વિભાગ દ્વારા રેલ્વે ચલાલાથી વિસાવદર રેલ્વે ટ્રેક પર એન્જીન ચલાવી ટ્રાયલ લેવામાં આવેલ છે. ત્યારે આ સમયે હાજર રેલ્વે અધિકારીને પૂછપરછ કરતા તેઓએ 8 થી 10 દિવસમાં ચલાલા થી ટ્રેન રાબેતા મુજબ શરુ કરવામાં આવશે તેવી વિગત આપતાં લોકોમાં હરખની હેલી જોવા મળી હતી.આ પંથકને બ્રોડગેજ રેલ્વે મળે ત્યારે ખરૂં પરંતુ છેલ્લા એક વર્ષથી બંધ પડેલ માત્ર મીટરગેજ ટ્રેન શરૂ થવાની વાતથી પણ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. અને છેલ્લા એક વર્ષ પહેલાં સતત ટ્રેનની આવન જાવનથી ધમધમતાં રેલ્વે સ્ટેશન સુમસામ ભાસતાં હતાં. તે ફરી ધમધમતાં થઈ જશે.