નવનિર્મિત બની રહેલ હોસ્પિટલની કામગીરી બે માસમાં પૂર્ણ કરવા સુચનાઓ આપી:સારવાર માટે આવેલ દર્દીઓના અભિપ્રાય લીધા
તાલાલા સરકારી હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિની અગત્યની બેઠક ધારાસભ્ય ભગવાનભાઈ બારડ,નાયબ કલેકટર અને એસ.ડી.એમ.શ્રી વિનોદ જોશી,મામલતદાર કૃષ્ણકુમારસિંહ ચુડાસમા ની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.આ બેઠકમાં હોસ્પિટલ દ્રારા દર્દીઓને આપવામાં આવતી સારવારની સમીક્ષા કરવામાં આવી તેમજ હોસ્પિટલ માં સારવાર માટે આવેલ દર્દીઓના સુચનો સાંભળ્યા હતા.
તાલાલા પંથકના 45 ગામની દોઢ લાખ માનવ વસ્તી માટે આશીર્વાદરૂપ સંપૂર્ણ સુવિધાથી સજ્જ નિર્માણ થઈ રહેલ નવનિર્મિત આરોગ્ય મંદિરની કામગીરીની સમીક્ષા કરી જરૂરી સુચનો સાથે માર્ગદર્શન આપ્યું હતું.નવનિર્મિત હોસ્પિટલ ની કામગીરી બે માસમાં પૂર્ણ કરવા ધારાસભ્યશ્રી તથા નાયબ કલેકટર શ્રીએ કોન્ટ્રાકટર ને તાકિદ કરી હતી.આ ઉપરાંત દર્દીઓને સારી સારવાર મળે માટે હોસ્પિટલ પરિવાર સાથે પરામર્શ કરી જરૂરી સુચનાઓ આપી હતી.અધિક્ષક ડો.વિશ્વાસગીરી ગોસ્વામી એ હોસ્પિટલ દ્રારા થતી આરોગ્યલક્ષી કામગીરી થી અવગત કરી હોસ્પિટલ માટે ઘટતી સવલતોની જરૂરી વિગતો આપી હતી..આ બેઠકમાં તાલાલા,સુત્રાપાડા તાલુકાના સમિતીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.