ભવનાથ ક્ષેત્ર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું: ભારત ભરમાંથી પધારેલ દિગંબર સાધુઓ ઘૂણા ધખાવી શિવ આરાધનામાં લીન: સામાજીક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્રોમાં ભાવિકોને ભાતભાતના ભોજન પીરસવાનો યજ્ઞ આરંભાયો
ભવેહરનો શિવરાત્રી મેળો ભારે જામ્યો છે… મેળાના આજે ત્રીજા દિવસે પણ ભાવિકોનો સવારથી જ ઘસારો જોવા મળી રહ્યો હતો. અને રાત સુધીમાં ભાવિકોથી ભવનાથ ઉભરાઈ રહ્યું છે, ભવનાથ ક્ષેત્ર “હર હર મહાદેવ”ના નાદ સાથે ગુંજી રહ્યું છે. ભવનાથ શ્રેત્ર અત્ર, તત્ર, સર્વત્ર ભગવાન ભોલેનાથમય બન્યું છે. ભાવિકો શિવરાત્રીના મેળાનો ભરપૂર આનંદ મેળવી રહ્યા છે. તો બીજી બાજુ ભારત વર્ષ માંથી મોટી સંખ્યામાં પધારેલા નાગા સાધુઓ અને સંતો, મહંતો દ્વારા ધુણા ધખાવી ભોલેનાથના તપમાં લીન બન્યા છે. સામાજિક સંસ્થાઓ, અન્નક્ષેત્રો દ્વારા ભાવિકોને ભાત – ભાતના ભોજન પીરસી તૃપ્ત કરાવાઈ રહ્યા છે. તો બીજી બાજુ તંત્ર દ્વારા ભાવિકોની ઉત્તમ સુવિધા માટે તમામ પ્રયત્નો હાથ ધરાયા છે.
સૌકાઓથી ગિરનારના પેટાળમાં વસેલા પાવન પવિત્ર ભવનાથ ક્ષેત્રમાં ભગવાન ભવનાથ મહાદેવના સાનિધ્યમાં પરંપરાગત રીતે મહાશિવરાત્રીનો મેળો યોજાય છે. પાંચ દિવસીય આ મેળો આમ તો ભક્તિ, ભજન અને ભોજનના ત્રિવેણી સંગમ સમો ગણાવાઈ રહ્યો છે. જગવિખ્યાત આ મેળામાં શિવરાત્રીની રાત્રિના ભવનાથ ક્ષેત્રના વિવિધ અખાડાઓની સાથે દેશભરમાંથી આવેલા સાધુ સંતોની એક શાહી રવાડી નીકળે છે, અને બાદમાં શિવરાત્રીની મધ્યરાત્રીએ ભવનાથ મંદિરમાં આવેલ મૃગીકુંડમાં સાધુ, સંતો, શાહી સ્નાન કરે છે. ત્યારે કહેવાય છે કે, ભગવાન ભોલેનાથ અહીં સ્નાન કરવા માટે કોઈપણ સ્વરૂપે આવે છે, જેના કારણે આ પાવન પવિત્ર મેળો જગ વિખ્યાત બન્યો છે
એમાય આ વર્ષે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ અંગત રસ દાખવી આ મેળાને ભવ્યાતી ભવ્ય બનાવવાનો નિર્ધાર કર્યો હતો. ત્યારે જુનાગઢ જિલ્લા વહીવટી તંત્રએ છેલ્લા બે મહિનાથી આ મેળાને શાનદાર બનાવવા માટે અથાગ પ્રયત્નો કર્યા હતા. જેને કારણે આ વર્ષનો ભવનાથનો શિવરાત્રી મેળો “જરા હટકે”.બન્યો છે અને દર વર્ષે કરતા આ વર્ષે આ મેળામાં અનેક નવા આયામો ઉમેરવામાં આવ્યા છે. ખાસ કરીને યુવા વર્ગ ભારતીય સંસ્કૃતિ અને ધર્મ તરફ રસ દાખવતા થાય તે માટે આ મેળામાં ખાસ સેલ્ફી પોઇન્ટ સહિતના યુવાનોને આકર્ષે તેવા ફ્લોટો ઊભા કરવામાં આવ્યા છે.
અત્રે નોંધનીય છે કે આ વખતના મહાશિવરાત્રી મેળાના પ્રથમ દિવસે જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જુનાગઢ ખાતે પહોંચ્યા હતા અને યાત્રિકોની સાથે ત્રણ કિલોમીટર ખુલ્લા પગે ચાલીને ભવનાથ મહાદેવના દર્શન કર્યા હતા. આ જ રીતે જૂનાગઢના પ્રભારી અને કેબિનેટ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા તથા રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરીયા પણ પગપાળા ત્રણ કિલોમીટર ચાલી ભવનાથ ખાતે શિવરાત્રી મેળામાં પહોંચી ભગવાન ભોલેનાથને શીશ નમાવી ધન્યતા અનુભવી હતી. તો આવતીકાલે તા. 14 ના રોજ રાજ્ય કક્ષાના નાણામંત્રી કમલેશ પટેલ પણ જુનાગઢ આવી રહ્યા છે. આમ આ વખતે મેળામાં ચાર જેટલા રાજ્યના મંત્રીઓ તથા ગુજરાતના અનેક ધારાસભ્યો ભવનાથ મેળાની મુલાકાત લઇ ચૂક્યા છે. આ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ શિવરાત્રીના દિવસે જુનાગઢના ભવનાથ મેળામાં પધારે તેવું મનાઈ રહ્યું છે.
ભવનાથના મેળાના રૂટ પર માણવા આવતા જ ભાવિકો શિવમય ભક્તિમાં લીન થઈ જાવ તે માટે રૂટ ઉપર સાઉન્ડ સિસ્ટમ ગોઠવવામાં આવી છે, જ્યાં ભગવાન ભોળાનાથના ભજનો સંભળાઈ રહ્યા છે, આ સાથે દીવાલો ઉપર શંકર ભગવાનના વિવિધ ચિત્રો કંડારવામાં આવ્યા છે, લગભગ સાડા ત્રણ કિલોમીટર રૂટ ત્રિશુલ ડમરુ સહિતના કેસરી કલરના શણગારો કરવામાં આવ્યા છે, રંગબેરંગી રોશની કરવામાં આવી છે, અનેક જગ્યાએ સેલ્ફી પોઇન્ટ ઉભા કરાયા છે, તે સાથે આકર્ષિત પ્લોટ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
ભવનાથ ક્ષેત્ર “હર હર મહાદેવ”, “જય જય મહાદેવ”, “બમ બમ ભોલે” ના નાદથી ગુંજી રહ્યું છે. ભવનાથમાં જ્યાં જુવો ત્યાં સાધુ,.સંતોનો મેળાવડો અને તપસ્વી સાધુઓના ધુણાઓ ભાવિક ભક્તો માટે દર્શનના સ્થાન બન્યા છે, અહીં આવતા લાખો ભાવિકો તપસ્વી સાધુઓના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે, આ વખતે મેળામાં વિવિધ અખાડાઓના ભારત સહિત વિદેશમાંથી પણ સાધુ સંતો ભવનાથ ખાતે આવ્યા છે અનેક જટાધારી, અંગે ભભૂત લગાવેલા નાગા સાધુઓ વિવિધ રીતે ભગવાન ભોળાનાથમાં લીન થવા અનેકો રીતે ધ્યાન, તપ, જાપ રહ્યા છે, તે સાથે આ સાધુઓના દર્શને પહોંચેલા ભાવિક ભક્તજનોને સાધુ સંતો આશીર્વાદ આપી રહ્યા છે.
પ્રકૃતિના ખોળે ભાવિક ભક્તજનો અતિ આધુનિક સુવિધા સાથે મેળાની મોજ માણી શકે તે માટે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર, મહાનગરપાલિકા તંત્ર સહિતના સરકારી વિભાગો રાઉન્ડ ફરજ બજાવી રહ્યા છે, એસટી વિભાગ દ્વારા ભવનાથ આવવા માટે નજીવા દરે ખાસ બસની વ્યવસ્થા કરવામાં આવી છે, તો દિવ્યાંગ, વૃદ્ધ અને મહિલાઓ માટે તંત્ર દ્વારા ગિરનાર દરવાજા અને ભરડાવાવથી સ્પેશિયલ રીક્ષાઓની વ્યવસ્થા કરી દેવામાં આવી છે.
જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની નીગરાની અને સતત માર્ગદર્શન નીચે 3 હજારથી વધુ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ, હોમગાર્ડ, એસઆરપી, તથા સ્વયંસેવકોની ટીમ ટ્રાફિક વ્યવસ્થા અને ભાવિકોની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે પોલીસ તંત્ર દ્વારા બોમ ડિટેક્ટિવ સ્કોડ, ડોગ્સ સ્કોડ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાઈ રહ્યા છે. તથા સીસીટીવી કેમેરા, ડ્રોન અને વોચ ટાવર દ્વારા વોચ રાખવામાં આવી રહી છે.
ટૂંકમાં કહીએ તો, આ વખતનો જૂનાગઢનો ભવનાથનો મેળો પરંપરાની સાથે આધુનિક ઓપ સાથે યોજાઇ રહ્યો છે. ત્યારે આ મેળાને માણવા સમગ્ર ભારતની સાથે વિદેશી લોકો પણ ગિરનાર દરવાજા અને ભરડાવાવથી લગભગ ત્રણ કિલોમીટર પગપાળા ચાલીને દરરોજ લાખોની સંખ્પયામાં પહોંચી રહ્યા છે, ત્યારે આ વખતે લગભગ 15 લાખથી વધુ ભાવિકો આ મેળાને માણે તેવું અનુમાન થઈ રહ્યું છે.
શિવરાત્રી મેળામાં એક સાધુએ ઉશ્કેરાઈ જઈ ખુલ્લી તલવાર સાથે હિંસક રૂપ ધારણ કરતા અફડાતફડીનો માહોલ સર્જાયો
સાથે રહેલા વાનર એ ભાવિકોને બચકા ભરી, પંજા મારી ઇજાઓ કરતા લોકોમાં નાશ ભાગ મચી જવા પામી
ગતરાત્રિના ભવનાથના શિવરાત્રી મેળામાં અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો. એક સાધુએ ઉશ્કેરાઈ જઈ હિંસક રૂપ ધારણ કરી ખુલ્લી તલવાર સાથે ભાવિકો પાછળ દોડતા અને તેમની સાથે રહેલા કપીરાજ (વાનર) એ ભાવિક ભક્તજનોને બચકા ભરી અને પંજા મારી ઇજાઓ કરતા લોકોમાં નાશ ભાગ મચી જવા પામી હતી. જેને લઈને મેળામાં આવેલા યાત્રિકોમાં સાધુના આ પ્રકારના અશોભનીય વર્તનથી ભારે રોષ જોવા મળ્યો હતો. જો કે પોલીસે ભારે જહેમત બાદ સાધુને કાબુમાં લીધા હતા અને પોલીસ સ્ટેશનને લઈ જઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ભાવિકો માંથી જાણવા મળતી વિગતો મુજબ, જૂનાગઢના ભવનાથના શિવરાત્રી મેળામાં ગતરાત્રિના દત્ત ચોક વિસ્તારમાં એક નાગા સાધુ ઉશ્કેરાઈ ગયા હતા, અને હિંસક રૂપ ધારણ કરી લીધો હતું, ખુલ્લી તલવાર તથા તેમની સાથે રહેલા કપિરાજ (વાનર) ને સાથે લઈને દર્શનાર્થે પધારેલ ભાવિકોની પાછળ દોડતા રહ્યા હતા, અને અનેક નિર્દોષ ભાવિકોને માર માર્યો હતો. જેના કારણે ડરી ગયેલા ભાવિકોમાં નાશ ભાગમાંથી જવા પામી હતી. આટલેથી નહીં અટકતા આ નાગા સાધુએ તેમની સાથે રહેલા કપિરાજ દ્વારા સુતેલા લોકોને પણ ડરાવ્યા હતા અને કપિરાજ દ્વારા સુતેલા લોકો પર હુમલો કરાવતા કપીરાજે ભાવિકોને પંજા મારી અને બચકા ભરી બીજા પહોંચાડી હતી. ભવનાથના દત્ત ચોક વિસ્તારને જાણે નાગા સાધુએ બાનમાં લીધું હોય તેવી પરિસ્થિતિ સર્જાતા ફરજ પર રહેલા પોલીસે મહા મહેનતે આ સાધુને કાબુમાં લીધા હતા અને પોલીસ સ્ટેશનને લઈ જઈ, બાદમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
મહાશિવરાત્રીના મેળામાં ભક્તિ અને ટેકનોલોજીનો અદભૂત સંગમ : ભવનાથ મંદિર ખાતે લેસર શોનું અદકેરૂ આકર્ષણ
પ્રકાશની ગતિશીલતા સાથેની તાંડવ નૃત્ય કરતા ભગવાન શિવજી, ત્રિશૂલ, ડમરૂ, શંખ વગેરેની પ્રતિકૃતિઓ શ્રદ્ધાળુઓના હૈયે અનેરો ભક્તિભાવ પ્રગટાવે છે
ભવનાથના મહાશિવરાત્રીના મેળામાં ટેકનોલોજીનો પણ નવો આયામ જોવા મળી રહ્યો છે, મહાશિવરાત્રીના મેળામાં ભવનાથ મંદિર ખાતે પ્રથમ વખત ભક્તિ અને ટેકનોલોજીના સંગમરૂપ લેસર શોએ શ્રદ્ધાળુઓમાં અદકેરૂ આકર્ષણ જમાવ્યું છે. મહાશિવરાત્રીના મેળા દરમિયાન લાખો ભાવિકો ભગવાન ભવનાથ મહાદેવના ભાવપૂર્વક દર્શન કરે છે, પરંતુ આ વર્ષે રાજ્ય સરકારના પ્રયાસોથી મહાશિવરાત્રીના મેળાની ભવ્યતા અને દિવ્યતા વધી છે, તેમાં ભાવિકોલક્ષી નવા આયામો ઉમેરાયા છે, જે શ્રદ્ધાળુઓને ભક્તિમય નવી અનુભૂતિ કરાવે છે.ભવનાથ મંદિર ખાતે લેસર શો દ્વારા આધ્યાત્મિકતાને ઉજાગર કરતા ભવ્ય અને રંગબેરંગી ’જય ગિરનારી’, ’ૐ નમ: શિવાય’, ’ૐ’ ઉપરાંત તાંડવ નૃત્ય કરતા ભગવાન શિવજી, ત્રિશૂળ, ડમરૂ, શંખ વગેરેની પ્રકાશની ગતિશીલતા સાથેની પ્રતિકૃતિઓ શ્રદ્ધાળુઓના હૈયે અનેરો ભક્તિભાવ પ્રગટાવે છે. આ લેસર શોની એવી રીતે ગોઠવણ થઈ છે કે, ભવનાથ મંદિરની પાછળ જુના અખાડાનું જે શિવલિંગના આકાર સાથે ભવન બનેલું છે, તેના પર આ લેસર શો દ્રષ્ટિગોચર થાય છે. જે ભવનાથ મંદિરને વધુ દિવ્યતા પણ બક્ષે છે.ટેકનોલોજીના માધ્યમથી થતા આ લેસરમાં ૠજ્ઞબજ્ઞ – ૠજ્ઞ ઇયિૂંયયક્ષ ઘાશિંભત લાઈટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના થકી શિવજીના જુદા જુદા રૂપો, ત્રિશૂળ સહિતની પ્રતિકૃતિઓ દર્શાવવામાં આવી રહી છે.
શિવરાત્રી મેળામાં રાજ્યના મુખ્યમંત્રી પધારે તેવી સંભાવના
ભવનાથનો શિવરાત્રી મેળો ભારે જામ્યો છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ શિવરાત્રીના દિવસે અને ખાસ કરીને રવાડીના દર્શન કરવા જુનાગઢ ખાતે પહોંચે તેવા સંકેતો જણાઈ રહ્યા છે. જેને લઈને તંત્ર પણ એલર્ટ બની ગયું છે. રાજ્યના મુખ્યમંત્રી શિવરાત્રીના દિવસે સોમનાથ મંદિર ખાતે ભગવાન ભોલેનાથના દર્શન કરવા પધારવાના છે, ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સોમનાથથી જુનાગઢના ભવનાથમાં યોજાયેલ શિવરાત્રી મેળામાં અને ખાસ કરીને રવેડીના દર્શન કરવા વધારે તેવા સંકેતો જણાઈ રહ્યા છે. આ માટે સ્થાનિક કક્ષાના આગેવાનો દ્વારા મુખ્યમંત્રીને ભવનાથના મેળામાં પધારવા માટે ભાવભર્યા આમંત્રણ આપવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે સંભવત શિવરાત્રીના મેળામાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવશે તેવું અનુમાન થઈ રહ્યું છે. અત્રે નોંધનીય છે કે, આ અગાઉ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી પણ તેમના પરિવાર સાથે શિવરાત્રી મેળામાં રવેડીના દર્શન કરવા માટે આવ્યા હતા. ત્યારે આ વખતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ આ મેળામાં આવે તેવું મનાઈ રહ્યું છે.