Jai Hind

નખત્રાણામાં બાળકોને ક્રિકેટ રમાડવાના બહાને 4.43 લાખની ઠગાઈ કરનાર ઝડપાયો

વાલીઓને વિશ્ર્વાસમાં લઈ ખંખેર્યા હતા શિક્ષકની ધરપકડ કરતી પોલીસ

અહીં અર્ચના ઈંગ્લિસ સ્કૂલ ખાતે રમત ગમતના શિક્ષક તરીકે નોકરી કરતા રાજકોટના ગાંધીગ્રામના પ્રજ્ઞેશ હનુભા બારહટએ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને ક્રિકેટ, વોલીબોલ જેવી રમતો રમાડવા માટે તેઓના વાલીઓને વિશ્વાસમાં લઈ 4.43 લાખની છેતરપિંડી કરી ભાગી ગયો હતો. આ બાબતે વાલીઓ દ્વારા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવામાં આવી હતી, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. આરોપી શિક્ષક અમદાવાદની સ્કૂલમાં નોકરીએ જોડાવા માટે ઈન્ટરવ્યુ આપીને નિકળ્યો હતો, તેવી હકિકત મળતાં શાળાના આચાર્યની મદદથી તેને પાછો બોલાવી ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી શિક્ષક રમત ગમત ક્ષેત્રે ડિગ્રી ધરાવતો હોઈ અલગ અલગ ખાનગી શાળામાં જોડાઈ વાલીઓને વિશ્વાસમાં લઈ રમત રમાડવા માટે બહાર લઈ જવાનું કહી રૂપિયા પડાવી શિક્ષક ભાગી જતો અને મોબાઈલ અને સીમકાર્ડ બદલાવી નાખતો હતો. પોલીસે આરોપીને પકડી તપાસ કરતા રાજકોટ બી ડિવિઝન અને ગાંધીનગરના ઈન્કોસીટી પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. આ કામગીરીમાં પીઆઈ જે. ડી. સરવૈયા તેમજ સ્ટાફના જયંતીભાઈ માજીરાણા, સબીરભાઈ બાયડ, વિરેન્દ્રસિંહ જાડેજા, મોહનભાઈ આયર, નરેન્દ્રસિંહ સોઢા, મોહનભાઈ ગઢવી, મીતકુમાર પટેલ જોડાયા હતા. દરમિયાન નખત્રાણાના વાલી વિરલસિંહ જાડેજાએ આ શિક્ષક સામે નખત્રાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જે મુજબ આરોપીએ ફરિયાદી અને સાહેદોને અદાણી ફાઉન્ડેશન તરફથી અન્ડર 14 ક્રિકેટ મેચનું આયોજન વડોદરા ખાતે કરાયું હોવાની હકિકત જણાવી ફરિયાદી પાસેથી 30 હજાર, અન્ય વાલીઓ પાસેથી મળી 4.43 લાખની ઠગાઇ કરી હતી.