ગીર સોમનાથ જિલ્લાના 49 કેન્દ્રોમાં કુલ 29,511 વિદ્યાર્થીઓ ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા આપશે
ગીર સોમનાથ જિલ્લામાં તા.26/02/2026 થી તા.18/03/2026 દરમિયાન ધોરણ-10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ યોજાશે. પરીક્ષાઓ શાંતિમય અને તણાવમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય એ સંદર્ભે ઈણાજ ખાતે કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને ગીર સોમનાથ જિલ્લા પરીક્ષા સમિતીના સભ્યો સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.કલેક્ટર એ બોર્ડની પરીક્ષાઓ દરમિયાન સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર પૂરતા પોલીસ બંદોબસ્ત અને વિદ્યાર્થીઓ નિર્ભિક રીતે પરીક્ષા આપી શકે તેમજ તાલુકા-ગ્રામ્યકક્ષાએથી આવતા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે વધારાની બસો ફાળવવા સહિતની વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવા જણાવ્યું હતું.આ સાથે જ કલેક્ટર એ પરીક્ષા દરમિયાન સતત વીજ પૂરવઠો જળવાય, સી.સી.ટી.વીનું સતત મોનિટરિંગ, આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ લક્ષ્ય આપી અને મેડિકલ ટીમ તેમજ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં કોઈ અગવડતા ન પડે તેવી તૈયારીઓ સાથે સુચારૂ રીતે પરીક્ષા સંપન્ન થાય એ સુનિશ્ચિત કરવા ઉપસ્થિત સર્વે અધિકારી ઓને જણાવ્યું હતું.ગીર સોમનાથ જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી.બોરિચા એ બોર્ડ પરીક્ષા સંદર્ભે થયેલી તૈયારીઓની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, તા.26/02/2026 થી તા. 18/03/2026 દરમિયાન વેરાવળ અને ઉના ઝોનમાં 652 બ્લોકમાં એસ.એસ.સી. ની પરીક્ષાઓ યોજાશે. જેમાં 18,355 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે. જ્યારે સામાન્ય પ્રવાહમાં 339 બ્લોકમાં 9,672 વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહમાં 90 બ્લોકમાં 1,484 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે.આમ, ગીર સોમનાથ જિલ્લામાં ધોરણ-10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓમાં 49 કેન્દ્રો ખાતે 1081 બ્લોકમાં કુલ-29,511 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહેશે.
માનસિક તણાવ, દબાણ અને ડરની સ્થિતિમાં માર્ગદર્શન મેળવવા માટે સવારે 11.00 થી બપોરે 13.00 સુધીમાં 9427184669, બપોરે 16.00 થી સાંજે 18.00 સુધીમાં 7574800902 નંબર પર તેમજ બપોરે 16.00 થી સાંજે 18.00 સુધીમાં 9726611096 સંપર્ક નંબર પર સંપર્ક કરવાનો રહેશે.આ ઉપરાંત પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં કોઈ અગવડતા કે મુશ્કેલી સર્જાય તો 112 નંબર પર વિદ્યાર્થીઓ સંપર્ક કરી શકશે.આ બેઠક દરમિયાન નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અશોક પટેલ સહિત પી.જી.વી.સી.એલ, આરોગ્ય વિભાગ સહિત પરીક્ષા વ્યવસ્થા સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ અને જિલ્લા પરીક્ષા સમિતીના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.