Jai Hind

રાજકોટ સહિત રાજ્યમાં ગરમીનો રાઉન્ડ શરૂ અમદાવાદમાં 34 ડીગ્રી, વડોદરામાં 34.8 ડીગ્રી, ભૂજમાં 34.9 ડીગ્રી, રાજકોટમાં 35.3 ડીગ્રી, ડીસામાં 35.8 ડીગ્રી તથા અમરેલીમાં 34.7 ડીગ્રીએ પહોંચ્યુ

સૌરાષ્ટ્ર ગુજરાતમાં શિયાળાની જમાવટ પૂર્વે ઉનાળો શરૂ થઈ ગયો હોય તેમ કેટલાક દિવસોથી બપોરના સમયે તાપમાન નોર્મલ કરતા ઉંચુ ચાલી જ રહ્યું છે હવે ગરમીનો રાઉન્ડ આવવાનો હોય તેમ તાપમાન 38 ડીગ્રીને આંબી જશે તેવી આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે. બપોરનું તાપમાન વધુ રહેતું હોવાથી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. સામાન્ય રીતે હાલ નોર્મલ લઘુતમ તાપમાન 15થી 16 ડીગ્રી ગણાય છે તેની સરખામણીએ 2 ટકા વધુ રહે છે.
નોર્મલ મહતમ તાપમાન 31થી 32 ડીગ્રી ગણાય છે તેની સરખામણીએ 2થી 5 ડીગ્રી વધુ છે. રવિવારે રાજયના મોટા શહેરોના મહતમ તાપમાન પર નજર કરવામાં આવે તો અમદાવાદમાં 34 ડીગ્રી, વડોદરામાં 34.8 ડીગ્રી, ભૂજમાં 34.9 ડીગ્રી, રાજકોટમાં 35.3 ડીગ્રી, ડીસામાં 35.8 ડીગ્રી તથા અમરેલીમાં 34.7 ડીગ્રી નોંધાયુ હતું જે નોર્મલ કરતા બેથી પાંચ ડીગ્રી વધુ હતું.
તેઓએ તા.16થી 23 ફેબ્રુઆરીના આગાહી કરતા જણાવ્યું હતું કે હાલ તાપમાન નોર્મલ કરતા ઉંચુ ચાલી રહ્યું છે મહતમ તાપમાન નોર્મલ કરતા વધુ જ રહેવાની સંભાવના છે.
તા.19થી 22 ફેબ્રુઆરી દરમ્યાન તેમાં વધુ 2થી 4 ડીગ્રીનો વધારો થઈ શકે છે અને કેટલાક સેન્ટરોમાં 38 ડીગ્રીના આંકડાને પણ વટાવી શકે છે. ન્યુનતમ તાપમાન પણ એકાદ દિવસને બાદ કરતા નોર્મલ કરતા વધુ રહેવાની શકયતા છે. આ સમયગાળા દરમ્યાન ખાસ કરીને બપોર બાદ ગરમીમાં વધારો અનુભવાશે.
તેઓએ કહ્યું કે આગામીના સમયગાળા દરમ્યાન સાંજના સમયે પવનની ઝડપમાં વધારો થવાની સંભાવના છે. સૂર્યાસ્ત બાદ તેમાં રાહત થશે. તા.17 અને 18ના રોજ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ધુમ્મસ રહેવાની અને વિઝીબીલીટી ઘટવાની સંભાવના છે.