મુસ્લિમ સમાજ દ્વારા શરબત, પ્રસાદની વ્યવસ્થા થઇ
સાવરકુંડલા શહેરમાં મહાશિવરાત્રીના પાવન પર્વની ભવ્ય ઉજવણી થઈ. આ ધાર્મિક પર્વને માનવતા અને ભાઈચારાના સંદેશ સાથે ઉજવતાં શહેરમાં કોમી એકતાનું અદભુત દૃશ્ય સર્જાયું છે. સાવરકુંડલા શહેરના નિર્દોશાનંદ આશ્રમ સ્થિત શિવ મંદિર ખાતે યોજાનારી ઉજવણી દરમિયાન મુસ્લિમ સમાજ દ્વારા શિવભક્તો માટે નિ:સ્વાર્થ સેવાભાવથી પ્રસાદ અને શરબતની વ્યવસ્થા કરવામાં આવી છે.
મુસ્લિમ સમાજના ઊંૠગ ગ્રુપ દ્વારા શિવ મંદિર પરિસર પાસે વિશેષ સ્ટોલ ગોઠવવામાં આવ્યો છે. વહેલી સવારથી જ મંદિર બહાર પાણીના પરબ સાથે શરબત અને પ્રસાદનું વિતરણ શરૂ કરાયું છે. મુસ્લિમ યુવકો દ્વારા કરાયેલ આ સેવાકાર્ય શ્રદ્ધાળુઓમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને શહેરભરમાં તેની પ્રશંસા થઈ રહી છે.
આ સેવા કાર્યને પ્રોત્સાહન આપવા માટે સાવરકુંડલાના વિવિધ હોદેદારો તેમજ બ્રહ્મ સમાજના અગ્રણી આગેવાનો દ્વારા પરબની મુલાકાત લેવામાં આવી હતી. પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત, બ્રહ્મ સમાજના આગ્રણી કિરીટભાઈ દવે, હસુભાઈ સૂચક, હિતેશભાઈ સરવૈયા, વિજયભાઈ રાઠોડ, જીગા દાદા, ભુપતભાઈ ચુડાસમા, હસુભાઈ બગડા, ઓસા ભાઈ પઠાણ,અલી ભાઈ જાખરા અને રાજે મોહમ્મદ ટકાભાઈ સહિતના આગેવાનો નિર્દોશાનંદ આશ્રમની મુલાકાત બાદ પરબ પર પહોંચી મુસ્લિમ યુવકોની આ અનોખી પહેલને બિરદાવી હતી.
સેવા કાર્યમાં યુસુફભાઈ કુરેશી, આરીફખાન પઠાણ, ભીખાભાઈ ડોડીયા, ગુલઝારભાઈ રાઠોડ, સમીર બેલીમ, મોન્ટુ બાપુ, ઇલ્યાસભાઈ ચૌહાણ, મુસ્તફા બેલીમ, ઇમ્તિયાઝ શૈતા, સલમાન બેલીમ, અંજુમભટ્ટી સલીમભાઈ અને શફીભાઈ જાદવ સહિતના કાર્યકરો સક્રિય રીતે જોડાયા છે.