‘વોકલ ફોર લોકલ’ થીમ હેઠળ વેરાવળના કે.સી.સી. ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી મેળો ચાલી રહ્યો છે. શહેરી વિકાસ વર્ષ 2025-2026 અંતર્ગત યોજાયેલા આ સ્વદેશી મેળામાં વેરાવળના રહેવાસી તન્ના બહેનના જીવનમાં ચોકલેટ વેચાણના બિઝનેસથી ચળકાટ આવ્યો છે.છેલ્લા પાંચ વર્ષથી ઘરેથી જ ચોકલેટનો બિઝનેસ કરતા વેરાવળના જ રહેવાસી તન્ના વિધિબહેને જણાવ્યું હતું કે, એમ.કોમના અભ્યાસ પછી નોકરી મળતી હતી પરંતુ મને બિઝનેસમાં રૂચિ હોવાના કારણે મેં ચોકલેટના બિઝનેસમાં આગળ વધવાનું પસંદ કર્યું હતું.
હું ‘વી.ડી. ચોકલેટ’ના માધ્યમથી ચોકલેટ, કેક, બેકરી પ્રોડક્ટ્સનું વેચાણ કરૂ છું. ચોકલેટ અને અન્ય પ્રોડક્ટ્સ કોકો પાઉડર, બટર વગેરેમાંથી બનાવવામાં આવે છે. અમે હાઈજેનિક રીતે જ ચોકલેટનું ઉત્પાદન કરીએ છીએ.છૂટક રીતે તેમજ એક્ઝિબિશનના માધ્યમથી પણ અમે ચોકલેટનું વેચાણ કરીએ છીએ. સરકાર દ્વારા અનેક મેળાઓ યોજાય છે.
જેનાથી સારો બિઝનેસ પણ પ્રાપ્ત થાય છે અને આગળ વધવાની તક મળે છે. મેળા થકી ગ્રાહકો અહીંથી ખરીદી તો કરે જ છે ઉપરાંત અમારા વિઝિટિંગ કાર્ડ પણ લઈ જાય છે. ગ્રાહકો પણ ચોકલેટના સારા રિવ્યૂ આપે છે. એમ એમણે ઉમેર્યું હતું. ‘સ્વદેશી મેળા’ થકી ઘરે રહી બિઝનેસ કરતા નાના લોકોને પણ તક મળે છે. આ તક આપવા બદલ વિધિબહેને હ્રદયપૂર્વક રાજ્ય સરકારનો આભાર વ્યકત કર્યો હતો.