Jai Hind

તાલાલાના વિભાજનમાં તંત્રની ચુકના કારણે ગીર નેસડાના પરિવારો આદી જાતિના પ્રમાણપત્રોથી વંચિત

નેસડાના પરિવારોના બાળકો સરકારી ભરતી તથા શિક્ષણ માટે હાલાકીનો સામનો કરી રહ્યા હોય તુરંત યોગ્ય કરવા પ્રબળ માંગ

તાલાલા તાલુકાનું વિભાજન થયા બાદ તાલાલા પંથકના ગીરના નેસડા નું તાલાલા કે મેંદરડામાં એક પણ જગ્યાએ ડિજિટલ ગુજરાત સોફ્ટવેર માં સમાવેશ કરવાનું વહીવટી તંત્ર ચૂકી ગયું હોય… ગીરના આદિજાતિ પરિવારોને જાતિના પ્રમાણપત્રો આપવાની કામગીરી ખોરંભે પડી જતાં નાના ગરીબ પરિવારો દયાજનક સ્થિતિમાં મુકાઈ ગયા છે…આ માટે ત્વરિત યોગ્ય કરવા તાલાલા તાલુકા કોંગ્રેસ સમિતિએ માંગણી કરી છે. આ અંગેની વિગત એવી છે કે તાલાલા પંથકમાં 1951 માં થયેલ વસ્તી ગણતરીના આધારે ગીરના જંગલમાં 117 નેસડામાં પશુપાલક માલધારી પરિવારો વસવાટ કરતા હતા પરંતુ તા.09/09/2013 થી તાલાલા તાલુકા નું વિભાજન કરી સાસણગીર,હરીપુર ગીર અને ભાલછેલ ગામ તથા ગીરનો નેસવિસ્તાર મેંદરડા તાલુકામાં સમાવેશ કરવામાં આવેલ પરંતુ તાલાલા તાલુકાનાં વનવિસ્તારના નેસડા તાલાલા કે મેંદરડા વિસ્તારમાં સમાવેશ કરવાનું વહીવટી તંત્ર ચૂકી ગયું હોય તેમ ગીરના નેસો નો ડિજિટલ ગુજરાત સોફ્ટવેરમાં સમાવેશ થયો નથી જેથી અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રો માટે માંગણી કરતા 467 પશુપાલક માલધારીને પ્રમાણપત્રો આપવાની કામગીરી ખોરંભે પડી ગઈ છે.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજાભાઈ વંશની ઉપસ્થિતિમાં તાલાલા તાલુકા કોંગ્રેસ સમિતિએ તાલાલા મામલતદારને આવેદનપત્ર આપી આદિજાતિના પ્રમાણપત્રો થી ગીરના માલધારીઓ બે વર્ષથી વંચિત હોય ત્વરિત ઘટતું કરવા માંગણી કરી હતી તેમજ તાલાલા વિસ્તારના માલધારી પરિવારોએ વારંવાર રજૂઆતો કરી ગીરના નેસોના અધિકાર ક્ષેત્રે બાબતે ચાલતી અસમંજસ નો ગીરના ગરીબ માલધારી પરિવારો ભોગ બની રહ્યા હોય તુરંત યોગ્ય કરવા માંગણી કરતી પરંતુ આજ સુધી આ લોક સમસ્યાનું પરિણામલક્ષી નિવારણ આવેલ નથી.આદિજાતિના પ્રમાણપત્રોના અભાવે ગીરના પશુપાલક પરિવારો સરકારી ભરતી તથા શિક્ષણમાં અનામતના લાભથી વંચિત હોય માલધારી પરિવારના બાળકોનાં ભવિષ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે…ગરીબ પરિવારોના પ્રાણપ્રશ્ન નું વહીવટી તંત્ર ત્વરિત પરિણામલક્ષી નિવારણ લાવે તેવી પ્રબળ લોક માંગણી ઉઠી છે.
તાલાલા અને મેંદરડા તાલુકા વચ્ચે હેરાફેરી કરતી અરજીઓ પૈકી 439 અરજીઓ ગત તા.19/12/2025 ના રોજ મેંદરડા થી તાલાલા મામલતદાર કચેરીને મોકલવામાં આવેલ…ગીર સોમનાથ જિલ્લા કલેકટર ની સૂચના અંતર્ગત લોકરક્ષક ભરતી મેળા સંબંધી તાલુકાના લગત નેશના 232 અરજદારોને તાલાલા મામલતદાર કચેરી એ પ્રમાણપત્રો ઇસ્યુ કર્યા…ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજાભાઈ વંશે બાકી રહેતા 235 પરિવારોને વહેલી તકે પ્રમાણપત્રો આપવા માંગણી કરી છે.