Jai Hind

એમ. જે. સ્વામિનારાયણ હાઇસ્કુલ (ઉ.મા) ખાતે ધો.12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તથા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

પ્રભાસ પાટણ ખાતે આવેલ એમ. જે. સ્વામિનારાયણ હાઇસ્કુલ (ઉ.મા) ખાતે ધોરણ 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તથા કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં સંસ્થાના સંચાલક શાસ્ત્રી સ્વામી ભક્તિપ્રકાશદાસજી તથા લોકવિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડીનેટર નરેશભાઈ ગુંદરણીયા બી.એડ કોલેજના આચાર્ય પુંજાભાઈ છાત્રોડીયા બી.એ.ઓ.યુ. સેન્ટરના રામભાઈ ઝાલા પ્રાથમિક શાળાના સંચાલક પુંજાભાઈ બામણીયા તથા મુખ્ય મહેમાન તરીકે વિજયસિંહ ડોડીયા હાજર રહ્યા હતા.
12 ની બોર્ડ પરીક્ષા આપવા જઈ રહેલ શાળાના વિદ્યાર્થીઓ સાથે સકારાત્મક અને પ્રેરણાદાયક સંવાદ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિજયસિંહ ડોડીયાએ પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્ર્વાસ વધે, પરીક્ષા તણાવ ઘટે અને ભવિષ્ય માટે તેમનું વિઝન સ્પષ્ટ બને તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ.
ધોરણ 10 પછી વિષય પસંદગી અને ધોરણ 12 પછી કારકિર્દી વિકલ્પોની પસંદગી અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું કે વિદ્યાર્થીએ પોતાની રૂચિ, ક્ષમતા અને લાંબા ગાળાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો જોઈએ. એન્જિનિયરિંગ, મેડિકલ, કોમર્સ, આર્ટ્સ, સ્કિલ-બેઝ્ડ કોર્સ, સ્ટાર્ટઅપ અને વિવિધ વ્યાવસાયિક ક્ષેત્રોમાં અનેક અવસરો ઉપલબ્ધ છે. યોગ્ય માહિતી મેળવી અને માતા-પિતા તથા શિક્ષકોની સલાહ લઈને નિર્ણય લેવો જરૂરી છે. વિદ્યાર્થીઓને પ્રેરિત કરતાં જણાવ્યું હતું કે તમારી આંખોમાં હું ડોક્ટર, એન્જિનિયર, અધિકારી, ઉદ્યોગપતિ અને દેશસેવાના ભાવથી ભરેલા યુવાનોના સપના જોઈ રહ્યો છું. આત્મવિશ્ર્વાસ તમારી સૌથી મોટી શક્તિ છે, મહેનત તમારી સાચી ઓળખ છે અને સંસ્કાર તમારી સાચી મૂડી છે. પરીક્ષા નિડર બની આપો, સફળતા ચોક્કસ મળશે.
કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓએ વિજયસિંહ ડોડીયા સમક્ષ પોતાને મુંઝવતા પ્રશ્ર્નો રજૂ કર્યા અને માર્ગદર્શન મેળવ્યું અને આવનારી બોર્ડ પરીક્ષાઓ માટે આત્મવિશ્ર્વાસ સાથે તૈયારી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. વાલીઓ અને શિક્ષકોએ તેમજ વિધાર્થીઓએ આ કાર્યક્રમને ખૂબ ઉપયોગી ગણાવ્યો. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં નવી ઉર્જા, આત્મવિશ્ર્વાસ અને સકારાત્મક દૃષ્ટિકોણનો સંચાર થયો હતો.