સૂર્ય ઊર્જા બની આર્થિક સશક્તિકરણનું સાધન : અમરેલીના હજારો ઘરોને ડબલ લાભ: કુલ 18,268 ગ્રાહકોએ સોલાર રૂફટોપ યોજના અપનાવી
ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ “પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના” દેશના દરેક ઘરને ઊર્જા સ્વાવલંબન તરફ દોરી જતી મહત્વપૂર્ણ યોજના બની છે. આ યોજના હેઠળ ઘર ઉપર સોલાર રૂફટોપ સ્થાપિત કરીને સ્વચ્છ અને સસ્તી વીજળી ઉપલબ્ધ કરાવવાનો મુખ્ય હેતુ છે. આ પહેલથી વીજળીના ખર્ચમાં ઘટાડો, પર્યાવરણનું સંરક્ષણ અને વધારાની વીજળી વેચીને આવક મેળવવાની તક ઉપલબ્ધ બની રહી છે. આ યોજનાના લીધે અમરેલી જિલ્લામાં 16,786 ઘરોમાં ’સૂર્યના અજવાળા’થી વીજબીલ શૂન્ય બન્યું છે.
અમરેલી જિલ્લામાં આ યોજનાનો અમલ નોંધપાત્ર રીતે સફળ રહ્યો છે. પીજીવીસીએલના નાયબ ઇજનેર સી.એન. સરવૈયાએ જણાવ્યા મુજબ, વર્ષ 2024-25 દરમિયાન અમરેલી પી.જી.વી.સી.એલ. વર્તુળ કચેરીને 8,250 ઘરોમાં સોલાર રૂફટોપ સ્થાપિત કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, જે સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવ્યો છે. આ સિદ્ધિ જિલ્લાના લોકોમાં સોલાર ઊર્જા પ્રત્યે વધતી જાગૃતિ અને સરકાર પ્રત્યેનો વિશ્વાસ દર્શાવે છે. જિલ્લામાં સોલાર રૂફટોપ યોજનાનો વ્યાપ સતત વધી રહ્યો છે. હાલમાં અમરેલી જિલ્લામાં કુલ 18,268 ગ્રાહકો સોલાર રૂફટોપ દ્વારા વીજ જોડાણ ધરાવે છે. તેમાં શહેરી વિસ્તારોમાં 9,627 અને ગ્રામ્ય વિસ્તારોમાં 8,641 ગ્રાહકોનો સમાવેશ થાય છે. આ દર્શાવે છે કે સોલાર ઊર્જાનો લાભ હવે શહેર સુધી મર્યાદિત નથી રહ્યો, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વ્યાપક રીતે સ્વીકારવામાં આવી રહ્યો છે. સોલાર રૂફટોપ સ્થાપિત કરનાર ગ્રાહકોને આર્થિક લાભ પણ મળી રહ્યો છે. વર્ષ 2024-25 દરમિયાન અમરેલી જિલ્લાના ગ્રાહકો દ્વારા ઉત્પન્ન કરાયેલી વધારાની વીજળી પી.જી.વી.સી.એલ.ને આપવામાં આવી હતી, જેના બદલામાં કુલ રૂ. 547 લાખ (5.47 કરોડ) 16,786 ગ્રાહકોના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યા છે. આથી સોલાર ઊર્જા હવે માત્ર ઊર્જાનો સ્ત્રોત નહીં પરંતુ આવકનું સાધન પણ બની છે. “પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના” પર્યાવરણ સંરક્ષણમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. સોલાર ઊર્જા સ્વચ્છ અને નવિનીકરણીય ઊર્જા હોવાથી પ્રદૂષણમાં ઘટાડો થાય છે અને કુદરતી સંસાધનોનું સંરક્ષણ થાય છે.