Jai Hind

સોમનાથ – રાજકોટ હાઈવે બન્યો અકસ્માત ઝોન વંથલી પાસેથી પસાર થતા નેશનલ હાઈવે પર સર્વિસ રોડ બનાવવા માંગ

અનેક સરકારી કચેરીઓ તેમજ રહેણાંક વિસ્તારો આવેલ હોય અકસ્માતનો ભય

સાંસદ,ધારાસભ્યને પણ અનેકવાર રજૂઆત કરાઈ
આ સર્વિસ રોડ બનાવવા કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયા, પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્યને પણ અનેકવાર રજૂઆત કરવામાં આવી છે તેમજ અહીંથી અનેક રાજકીય નેતાઓ પસાર થતા હોય છે પણ લોકોની આ સમસ્યા સામે તેઓ પણ આંખ આડા કાન કરી રહ્યા છે તેવુ લોકો કહી રહ્યા છે

વંથલી પાસેથી પસાર થતા સોમનાથ રાજકોટ નેશનલ હાઈવે પર સર્વિસ રોડ ન હોવાને લીધે અનેક વાહનો રોંગ સાઈડમાંથી નીકળતા હોય જેને લઈ લઈ આ રસ્તો અકસ્માત ઝોન બની ગયો છે સર્વિસ રોડ બનાવવા માટે અનેકવાર રજૂઆત કરવા છતાં હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે આ અંગે તાત્કાલિક યોગ્ય કરવા વંથલી શહેર ભાજપ પ્રમુખ દિવ્યેશ જેઠવા દ્વારા રજૂઆત કરવામાં આવી છે
સોમનાથ – રાજકોટ નેશનલ હાઈવે વંથલી પાસેથી પસાર થાય છે વંથલીથી જૂનાગઢ તરફ જતા ડાબી સાઇડના રસ્તા પર મેંગો માર્કેટ, સ્વામીનારાયણ ગુરુકુળ, મદ્રેસા,સ્વામી વિવેકાનંદ કોલેજ,દિલાવર નગર સોસાયટી, સેશન્સ કોર્ટ,મામલતદાર કચેરી,પ્રાંત કચેરી તેમજ થોડા સમય પહેલા જ 47 ગામડાને જોડતું સામૂહિક આરોગ્ય કેન્દ્ર શરૂ થતા આ રસ્તા પર મોટી સંખ્યામાં લોકો અવરજવર કરી રહ્યા છે તેમજ રસ્તાની સામેની સાઇડ તરફ સહજાનંદ સોસાયટી, પીજીવીસીએલ, માર્કેટિંગ યાર્ડ, તાલુકા પંચાયત કચેરી આવેલ છે અહીં સર્વિસ રોડ નહીં હોવાના લીધે લોકોએ 3 કિમી જેટલું ફરીને જવું પડે છે જેને લીધે અનેક વાહન ચાલકો રોંગ સાઈડમાં વાહનો ચલાવે છે અહીં ડીવાઈડર પણ તોડી નાખવામાં આવ્યા છે જેથી નાના મોટા અકસ્માતના બનાવો બનતા રહે છે વંથલી પંથક બાગાયતી વિસ્તાર હોવાથી અહીં કેરી, રાવણા, ચીકુ,સીતાફળ જેવા ફળોનું પુષ્કળ ઉત્પાદન થાય છે ત્યારે આ સમયે મોટી સંખ્યામાં ખેડૂતો અને વેપારીઓની અવરજવર રહેતી હોય ભવિષ્યમાં કોઈ મોટો ગંભીર અકસ્માત સર્જાય તે પહેલા હાઈવે ઓથોરિટી દ્વારા સર્વિસ રોડ બનાવવામાં આવે તેવી લોકો દ્વારા માંગણી કરવામાં આવી છે