સોશિયલ મિડિયાથી જાણીતી બનેલ કીર્તિ પટેલની મુશિબત વધી છે. મૃગી કુંડમાં સ્નાન કરવા મામલે પ્રભાસ પાટણના નિરાલી આશ્રમના મહંત દ્વારા ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાવાઈ છે, જેને લઈને પોલીસની જુદી જુદી ટીમ દ્વારા કીર્તિ પટેલને પકડવા તજવીજ હાથ ધરાઈ છે.
પોલીસ માંથી પ્રાપ્ત વિગતો મુજબ, પ્રભાસ પાટણના નિરાલી ખોડિયાર ઉદાસીન આશ્રમના મહંત મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ બાપુ નિર્વાણ બાપુ દ્વારા ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી છે કે, મહાશિવરાત્રીની રાત્રે પવિત્ર મૃગીકુંડમાં નાગા સાધુઓના શાહી સ્નાન દરમિયાન આરોપી કીર્તિ પટેલ એ સાધુ સાધ્વીઓની જેમ ભગવા કપડાં પહેરી, છળકપટથી સાધુ-સાધ્વીનો વેશ ધારણ કરી, સાધુઓની સાથે સ્નાન કરેલ. જેનાથી સાધુ તરીકેની ધાર્મિક લાગણી દુભાઈ છે અને ધાર્મિક આસ્થાને ઠેસ પહોચી છે.
ભવનાથ પોલીસે મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ બાપુ એ નોંધાવેલી ફરિયાદને લઈને આરોપી કીર્તિ પટેલ વિરુદ્ધ ગુન્હો દાખલ કરેલ છે. તથા આરોપી કીર્તિ પટેલને પકડવા પોલીસની જુદી જુદી ટીમ દ્વારા તજવીજ હાથ ધરાઈ છે.
પોલીસ માંથી પ્રાપ્ત વધુ વિગતો મુજબ, મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ બાપુ એ કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ તો નોંધાવી છે, તે સાથે વિશેષ નિવેદનમાં પવિત્ર મૃગીકુંડમાં નાગા સાધુ તથા અન્ય સાધુ – સાધ્વીઓના શાહી સ્નાન દરમિયાન સાધુઓની સાથે ભગવા કપડા પહેરી છળકપટથી સ્નાન કરનાર અન્ય વ્યક્તિ કે વ્યક્તિઓ વિરુદ્ધ પણ ફરિયાદ કરી છે. જેથી પોલીસ દ્વારા ભગવા કપડા પહેરી, છળકપટથી સ્નાન કરનાર કીર્તિ પટેલ સિવાયની અન્ય વ્યક્તિ કે વ્યક્તિઓ કોણ કોણ છે ? તેની તપાસ આદરી છે, સીસીટીવી કેમેરા ફૂટેજ સહિતના વીડિયો ચેક કરાય રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, મહાશિવરાત્રીની મધ્યરાત્રીએ મૃગીકુંડમાં યોજાતા નાગા સાધુ સંતોના શાહી સ્નાન દરમિયાન કીર્તિ પટેલ કોઈપણ રીતે મૃગીકુંડ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં સંતો સાથે સ્નાન કરતા વિવાદ કર્યો હતો બાદમાં કીર્તિ પટેલે રેન્જ પોલીસના મહિલા પીઆઇઓ વિરુદ્ધતા એ ભર્યું વર્તન કરવાની સાથે ફરજમાં રૂપાવટી મારી નાખવાની ધમકી આપી હોવાની એક ફરિયાદ ગઈકાલે જુનાગઢના ભવનાથ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. તે દરમિયાન જ આજે પ્રભાસ પાટણ શ્રેત્રના એક આશ્રમના મહંત મહામંડલેશ્વર એ કીર્તિ પટેલ વિરુદ્ધ સાધુ તરીકેની ધાર્મિક લાગણી દુભાઈ છે અને ધાર્મિક આસ્થાને ઠેસ પહોચી છે. તેવી ફરિયાદ નોંધાવતા કીર્તિ પટેલ ઉપર મુશ્કેલી વધી છે.
આ સાથે એ પણ નોંધનીય છે કે, ગઈકાલે કીર્તિ પટેલે સોશિયલ મીડિયા ઉપર રાત્રિના સાડા નવ વાગ્યે સોશિયલ મીડિયા પર લાઈવ થઈ, જેને પેટમાં દુખ્યું છે તેની પ્રૂફ સાથેની સ્ટોરી કહીશ, સનાતન ધર્મને ખોટા માર્ગે કોણ કોણ લઈ જાય છે તે પણ હું કહીશ, તેવું જણાવ્યું હતું, પરંતુ બાદમાં કીર્તિ પટેલ વીડિયો વાયરલ કરી જણાવ્યું હતું કે, તેમના ગુરુ દ્વારા લાઇવ રોકવાનો આદેશ થતા લાઇવ કરેલ નથી, એ સાથે અન્ય લોકો સામે કેમ ફરિયાદ દાખલ ના થઈ ? તેવો પ્રશ્ન ખડો કરી, હવે તો, સચ્ચાઈ બહાર આવશે જ તેવું ગઈકાલે જ જણાવી દીધું છે, ત્યારે આ મામલો વધુ વકરશે તેવું મનાઈ રહ્યું છે.