ધારી બજરંગ ગ્રુપ દ્વારા બેઠકમાં અપાઈ ચેતવણી
લોકોની માંગને પગલે જે સ્પેશિયલ ટ્રેન શરૂ કરાઈ છે તેનો સમય પ્રતિકૂળ અને ભાડુ ચાર ગણુ : બજરંગ ગ્રુપ પ્રમુખ
અમરેલી જિલ્લામાં આવેલી મીટરગેજ ટ્રેન એક વર્ષ કરતાં પણ વધારે સમયથી બંધ કરી દેવામાં આવેલ છે. અને તે ટ્રેન શરૂ કરવા માટે લાંબા સમયથી લોકો માંગણી કરવામાં આવતી હતી. પરંતુ રેલવેના બાબુઓ આ ટ્રેન શરૂ કરતાં ના હતાં. ત્યારે સાંસદ દ્વારા દબાણ કરતાં ચલાલા જુનાગઢ વચ્ચે લોકોના વિરોધ વચ્ચે માત્ર ટ્રેન ચાલુ કરવાના દેખાડો કરવા માટે ચલાલા જુનાગઢ વચ્ચે સ્પેશિયલ ટ્રેન આજથી દોડાવવામાં આવી રહી છે. જેનો સમય પણ ધારી ચલાલા તથા વિસાવદરના લોકોને અનુકૂળ આવે તેમ નથી.
રેલવેના આવા તધલખી નિર્ણય સામે ધારીના બજરંગ ગ્રુપ દ્વારા રેલવે રોકો આંદોલન કરવાનો નિર્ણય લેવાયો છે. આજે ધારીના બજરંગ ગ્રુપ દ્વારા સાંસદ અને રેલવેનાં અધિકારીઓને એક આવેદનપત્ર પાઠવી આ ચલાલા જુનાગઢ ટ્રેનને જુના સમય અને જુના ભાડાથી ચલાવવા માટે માંગણી કરવામાં આવનાર છે. અને જો રેલ્વે લોકોની માંગણી અને પીડા નહીં સમજે તો આગામી ગુરૂવારથી ધારી ખાતે રેલ રોકો આંદોલન કરવામાં આવશે. ટ્રેનને રોકીને વિરોધ પ્રદર્શિત કરશે. તેમ ધારી બજરંગ ગ્રુપના આગેવાન પરેશ પટ્ટણીએ જણાવ્યું હતું.
અગાઉ અમરેલીથી વાયા ચલાલા ધારી વિસાવદર થઈને કુલ છ ટ્રેન જુનાગઢ તથા વેરાવળ માટે દોડતી હતી. જુનાગઢ કરતાં પણ સૌથી વધારે માંગણી સોમનાથના કારણે વેરાવળ માટેની ટ્રેનની છે. આ પછી અમરેલીમાં બ્રોડગેજની કામગીરી માટે મીટર ગેજ ટ્રેન સેવા બંધ કરવી જરૂરી હોવાથી માત્ર છ મહિના માટે મીટરગેજ ટ્રેન સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેને એક વર્ષ કરતા પણ વધારે સમય થઈ ગયો છતાં પણ આ સેવા ચાલુ કરવામાં આવી નથી.
આ ટ્રેન બંધ થયા પછી સોમનાથ માટે સૌથી વધારે જરૂરિયાત હોવાથી તેની એસટી બસ ચાલુ કરવાની માગણી પણ એક વર્ષમાં પણ સંતોષી શક્યા નથી. આથી લોકોમાં ભારે વિરોધ શરૂ થયો હતો. આ વિરોધ વચ્ચે લોકોને માત્ર રાજી કરવા ટ્રેન સેવા શરૂ કરવામાં આવી રહી છે. આ મુજબ જૂનાગઢથી ચલાલા વચ્ચે દૈનિક મીટરગેજ સ્પેશિયલ ટ્રેન જૂનાગઢ સ્ટેશનથી સવારે 10:40 વાગ્યે પ્રસ્થાન કરશે અને બપોરે 14:10બવાગ્યે ચલાલા સ્ટેશન પહોંચશે. વાપસીમાં ચલાલાથી જૂનાગઢ માટે મીટરગેજ સ્પેશિયલ ટ્રેન ચલાલાથી બપોરે 14:40 વાગ્યે પ્રસ્થાન કરશે અને સાંજે 17:35 વાગ્યે જૂનાગઢ સ્ટેશન પહોંચશે.
ખાટલે મોટી ખોટ એ છે કે, લોકોને જુનાગઢથી ચલાલા આવવાની નહીં પણ ચલાલાથી જુનાગઢ જવાની વધારે જરૂરિયાત હોય છે. જુનાગઢ જવા માટે તેઓ સવારમાં નીકળે બપોર પહેલા જુનાગઢ પહોંચ્યા પછી સાંજે પરત અમરેલી જિલ્લામાં આવી શકે એ રીતનો સમય રાખવામાં આવે તો જ આ ટ્રેન સેવાનો લોકો ઉપયોગ કરી શકે તેમ છે. તેના બદલે જુનાગઢ થી ઉપડતી આ ટ્રેન બપોરે અમરેલી પહોંચ્યા પછી છેક 14:40 એટલે કે 2: 40 વાગ્યે જુનાગઢ જવા માટે ઉપડે છે અને છેક સાંજે 17:35 એટલે કે 5:35 વાગ્યે જુનાગઢ પહોંચે છે. આ મુદ્દે ધારી રેલવે સ્ટેશન ખાતે બજરંગ ગ્રુપની આગેવાનીમાં શહેરના આગેવાનોની એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં રેલ્વે દ્વારા તાત્કાલિક ધોરણે નિર્ણય લઈને અગાઉ જુના જે રૂટ તે તમામ રૂટ, જુનો ટ્રેનનો જે સમય હતો તે જ સમય, અને જૂનું જે ભાડુ હતું એ જ ભાડુ લઈને ટ્રેન વ્યવહાર ચાલુ કરવામાં આવે તેવી માગણી કરી છે. અને જો તેમ કરવામાં નહીં આવે તો ધારીમાં રેલવે રોકો આંદોલન કરવાનો નિર્ણય લેવાયો હતો. આગામી ગુરૂવારથી આવનારી સ્પેશિયલ ટ્રેનને રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મિટિંગમાં ધારીના બજરંગ ગ્રુપના પ્રમુખ પરેશ પટ્ટણી, ધર્મેન્દ્ર લહેરૂ, વિજયભાઈ દવે સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.
અગાઉ અમરેલીથી જુનાગઢ અને ધારીની મીટર ગેજ ટ્રેનો દોડતી હતી તેમાં ચલાલાથી ધારી જવા માટે અને ધારીથી ચલાલા જવા માટે માત્ર 10 રૂપિયા લેવામાં આવતા હતા. આ નવી જાહેર કરેલી સ્પેશિયલ ટ્રેનમાં તેનું ચાર ગણું ભાડું વધારીને માત્ર ધારી ચલાલા વચ્ચે જ 45 રૂપિયા લેવામાં આવે છે.