Jai Hind

સૌરાષ્ટ્રમાં મોસમનો મિજાજ બદલાયો: અનેક સ્થળે માવઠુ ખાબકયું : કયાંક ઘુમ્મસ છવાયું

સાવરકુંડલા, બગસરા, અમરેલી શહેર-પંથકોમાં કમોસમી વરસાદથી માર્ગો ભીના થયા : ખેતીના પાકોને નુકશાનની ભીતી : જામનગરમાં ગાઢ ધુમ્મસ તો રાજકોટમાં ધુપછાંવનો માહોલ

આજે સૌરાષ્ટ્રમાં મોસમનો મિજાજ અચાનક બદલાતા અનેક ગામો-શહેરોમાં કમોસમી વરસાદ ખાબકયો હતો. માવઠાથી માર્ગો ભીના થઇ ગયા હતા. તો અનેક જગ્યાએ ગાઢ ધુમ્મસ છવાયું હતું. કયાંક ધુપછાંવનો માહોલ હતો. આજે સાવરકુંડલા, બગસરા, અમરેલી પંથકમાં માવઠુ વરસ્યું હતું. તો જામનગરમાં ધુમ્મસ છવાયું હતું. માવઠાથી ખેતીના પાકોને નુકશાનની ભીતી સેવાઇ રહી છે.
સાવરકુંડલામાં કમોસમી વરસાદથી વાતાવરણમાં પલટો
અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં આજે સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશર (કજ્ઞૂ ઙયિતતીયિ) અને હવામાન વિભાગની આગાહીના પગલે શહેરના મામલતદાર ઓફિસ મહુવા રોડના વિસ્તારોમાં હળવા વરસાદી છાંટા પડ્યા હતા.
હવામાનમાં ફેરફાર: છેલ્લા બે દિવસથી સાવરકુંડલા અને આસપાસના પંથકમાં વાદળછાયું વાતાવરણ પ્રવર્તી રહ્યું હતું. વરસાદની સ્થિતિ: આજે મોડી સાંજે શહેરમાં કમોસમી વરસાદી છાંટા પડતા માર્ગો ભીના થયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
આગાહી: હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવા વરસાદ અથવા માવઠાની શક્યતા અગાઉથી જ વ્યક્ત કરવામાં આવી હતી.
અચાનક આવેલા આ વરસાદી માહોલને કારણે શિયાળુ પાક લેવાની તૈયારી કરી રહેલા ખેડૂતોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હજુ પણ આગામી થોડા દિવસો સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. અમરેલી જીલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી વાતાવરણ પલટાયું છે. ગઈકાલે મોડી રાત્રે અમરેલીમાં વરસાદી છાંટા પડ્યા બાદ આજે પણ અમરેલી જિલ્લાનાં ધારી તથા ખાંભા ગીરના ગામડાઓમાં તથા બગસરા પંથકમાં કમોસમી વરસાદી ઝાપટા પડતાં કેરી, ઘઉં, ધાણા, જીરું મરચાં સહિતના ખેતીપાકોને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે.
અમરેલી જિલ્લાનાં ગીરકાંઠાના ખાંભા તાલુકાના ગીરના ગામડાઓમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો.
જેને લઈ મોડી રાત્રે ઠંડી બપોરે ગરમી અને તેમાં આજે ખાંભા તાલુકાના ઈંગોરાળા, નાની ધારી, નાના વિસાવદર ગામમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેને લઈ આ પંથકની પ્રખ્યાત એવી કેસર કેરી તેમજ ધાણા, જીરું મરચાં સહિતના ખેતી પાકોને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે.
જ્યારે અમરેલી જિલ્લાનાં ધારી તાલુકા ગીરના સરસિયા ગામમાં વરસાદી છાંટા પડ્યાના અહેવાલ મળી રહયાં છે.
જ્યારે બગસરા શહેર, ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદી ઝાપટાઓ પડ્યા હતાં. જેમા બગસરા તાલુકાના સુડાવડ, લૂંધીયા, સાપર સહિતના ગામોમાં વરસાદી ઝાપટાઓ પડતાં ધાણા, જીરું મરચાં સહિતના ખેતી પાકોને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે આ કમોસમી માવઠાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
બગસરામાં કમોસમી વરસાદથી ખેડૂતોની માઠી દશા
આજે સવારથી વાતાવરણમાં પલટાની અસર જોવા મળી હતી ક્યારેક તડકો તો ક્યારેક વાદળો આવા વાદળ છાયા વાતાવરણ બાદ આજે સાંજે બગસરામાં કમોસમી વરસાદ પડ્યો હતો. વરસાદ પડતાની સાથે જ જગતનો તાત ભારે મુશ્કેલીમાં મુકાય ગયા હતા. જયારે ખેડૂતોનો શિયાળુ પાક તૈયાર થવાનો હતો ત્યારે જ કમોસમી વરસાદ આવતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા આવા વરસાદ થી ઘવ, ચણા, અને ધાણા જેવા પાકોને ભારે નુકસાનથી જગતનો તાત ખુબ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. કુદરત જાણે હાથમા આપેલ કોળિયો છીનવી લીધો હોય તેવી દશા ખેડૂતોને થઇ ગયેલ છે.
જામનગરમાં ગાઢ ધુમ્મસની
ચાદર છવાઇ
જામનગર માં આજે વહેલી સવારથી હવામાનમાં એકાએક પલટો આવ્યો છે, અને વહેલી સવારે ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ જતાં વીજીબીલીટી જીરો થઈ ગઇ હોવાના કારણે વાહન ચાલકો એ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આજે વહેલી સવારથી જ એકાએક આકાશમાં કાળા ડિબાંગ વાદળોના આટા ફેરા જોવા મળ્યા હતા, અને સૂર્યદેવતા વાદળો ના ગંજની પાછળ સંતાઈ ગયા હતા. જામનગર શહેર અને આસપાસના કેટલાક વિસ્તારમાં વહેલી સવારે છાંટા પણ પડ્યા હતા, જયારે ધુમ્મસના કારણે 10 ફૂટ દૂર સુધી પણ જોવું મુશ્કેલ બન્યું હોવાથી વાહનચાલકોએ દિવસ દરમિયાન પણ લાઈટો ચાલુ રાખીને વાહન ચલાવવાનો વારો આવ્યો હતો. ગઈકાલે રવિવારે બપોરના સમયે ઉનાળાના આકરા તાપનો અનુભવ થયો હતો, અને સૂર્યદેવતા નો પ્રકોપ જોવા મળ્યો હતો. પરંતુ તેમાં આજે વહેલી સવારથી એકાએક પલટો આવી ગયો હતો. અને આકાશ વાદળોથી ઘેરાયેલો રહ્યું છે, અને ક્યાંક ક્યાંક છૂટા છવાયા છાંટા પણ પડી રહ્યા છે. જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર લઘુતમ તાપમાન 20 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 31 ડિગ્રી નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 50 ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 15 થી 20 કિ.મી ની ઝડપે રહી હતી.
રાજકોટમાં ધુપછાંવનો માહોલ
રાજકોટ શહેરમાં આજે સવારના ભાગે ધૂપ-છાંવ બાદ બપોરથી સૂર્ય દેવતાએ આકરો મિજાજ ધારણ કરી લીધો હતો અને આજે બપોરે 2-30 કલાકે જ શહેરનું તાપમાન 35.6 ડીગ્રી સુધી પહોંચી જતા આજે પણ રાજકોટમાં મહતમ તાપમાન 36 ડીગ્રી સુધી પહોંચી જવાની પૂરી શકયતા છે. આજે બપોરે 2-30 કલાકે હવામાં ભેજ 29 ટકા રહ્યો હતો અને પવનની ઝડપ 12 કી.મી. પ્રતિકલાક રહેવા પામી હતી.
જયારે આજે સવારે 8-30 કલાકે શહેરનું તાપમાન 23 અને લઘુતમ તાપમાન 19.2 ડીગ્રી નોંધાયુ હતું. તેમજ સવારે હવામાં ભેજ 62 ટકા રહ્યો હતો અને પવનની સરેરાશ ઝડપ 11 કી.મી. રહેવા પામી હતી. આજે સતત ત્રીજા દિવસે પણ રાજકોટમાં 36 ડીગ્રી આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે. નોંધનીય છે કે હવે ફેબ્રુઆરી એન્ડ નજીક છે. ત્યારે ક્રમશ: શહેરમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે.