દર્શનાર્થીઓ દર્શન ભોજન પ્રસાદનો લાભ લઇ શકશે
સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ડુંગર ઉપર બિરાજમાન શ્રી ચામુંડા માતાજીના સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળીના પવિત્ર પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે. દસનામ ગોસ્વામી મહંત પરિવાર દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ડુંગર પર હોળી પ્રગટાવવામાં આવશે અને શ્રદ્ધાળુઓ માટે વિશેષ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે.
ચામુંડા માતાજી ડુંગર પર્વત ઉપર પરંપરાગત હોળી પ્રગટાવવાનો કાર્યક્રમ આગામી તા. 02/03/2026 સોમવારના રોજ હોળીના દિવસે સંધ્યા આરતી બાદ તેની લોહની જ્યોત માંથી હોળી પ્રગટાવવામાં આવશે. અને મહંત પરિવાર દ્વારા વિધિવત પૂજન-અર્ચન સાથે હોલિકા દહનનો કાર્યક્રમ સંપન્ન થશે.
ચોટીલા શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં ડુંગર ઉપર હોળી પ્રાગટય થયા બાદ તેની જ્વાળા નિહાળી અન્યત્ર હોળી દહન કરવાની પ્રાચીન પરંપરા આજે પણ જોવા મળે છે.
હોળી અને પૂનમના દિવસે ભક્તોની દર્શન માટે ઉભરતી ભીડને ધ્યાનમાં રાખીને મંદિરના દ્વાર ખોલવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હોળી તા.2. માર્ચના સોમવારે સવારે 5:00 કલાકે ભાવિકો માટે ડુંગર પગથિયાના દ્વાર ખુલશે અને નીજ મંદિર ખાતે સવારે 5:30 કલાકે મંગળા આરતી થશે.
ફાગણી પૂનમ તા. 3 ને મંગળવારના હોવાથી હજારો ભાવિકો આ દિવસે ઉમટતા હોવાથી વહેલી સવારે 2:30 કલાકે પગથિયાનો દ્વાર ખુલશે તેમજ 3:00 કલાકે મંગળા આરતી કરવામાં આવશે. સાંજની આરતી રાબેતા મુજબ દરરોજની જેમ સૂર્યાસ્તના સમયે નિયમિત રીતે કરવામાં આવશે.
ચામુંડા માતાજીના લાખો ભક્તોને હોળી અને પૂનમના આ પવિત્ર અવસરે દર્શનનો લાભ લેવા મહંત પરિવાર દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ચંદ્રગ્રહણના દિવસે ડુંગર ઉપર ચામુંડા માતાજીનું મંદિર ખુલ્લું રહેશે
મહત્વનું છે કે તા. 03/03 ના રોજ ચંદ્રગ્રહણ હોવા છતાં, ચોટીલા ચામુંડા માતાજીનું મંદિર દર્શનાર્થીઓ માટે રાબેતા મુજબ આખો દિવસ ખુલ્લું રહેશે. શ્રદ્ધાળુઓ કોઈપણ અડચણ વગર માતાજીના દર્શનનો લાભ લઈ શકશે. યાત્રાળુઓ માટે મંદિરના ભોજનલયમાં ભોજન-પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રસાદ લેવાનો સમય બપોરે 11:00 થી 2:00 વાગ્યા સુધીનો રહેશે.