Jai Hind

ભાટીયાના વિરપર મેવાસાની પોલીસની ફિઝિકલ ટેસ્ટ દેવા આવેલ યુવતીનો આપઘાત

વલસાડથી રાજકોટ દોડની પરીક્ષા આપવા મુંજકા પી.જી.માં રહેતી સહેલી પાસે રોકાઇ હતી

પોલીસ ભરતીમાં ફિઝિકલ ટેસ્ટ માટે રાજકોટ આવેલી ભાટિયા તાલુકાના વિરપર મેવાસા ગામની રીતુ કાંબરીયાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. બે દિવસ પહેલા રાજકોટ આવી મુંજકામાં પીજીમાં તેની બહેનપણી સાથે રહેતી હતી. આજે સવારે પગલું ભરી લેતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો.
બનાવ અંગે મળતી વિગત મુજબ, રીતુબેન દેવાભાઇ કાંબરીયા (ઉંમર વર્ષ 21)એ આજે સવારે 10 વાગ્યાં આસપાસ મુંજકા ખાતે સોમનાથ મંદિરની બાજુમાં પીજીની રૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ નો સ્ટાફ દોડી ગયો હતો. આ તરફ રૂમ પર હાજર અન્ય યુવતીઓ અને આસપાસ રહેતા યુવાનોએ તત્કાલ રીતુને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. રીતુના માતા પિતા સહિતના પરિવારજનો દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર ભાટીયા તાલુકાના વીરપર ગામે રહેતા હોય, તેઓને જાણ થતા રાજકોટ દોડી આવ્યા હતા. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ, રીતુ પોલીસ ભરતી ની તૈયારી કરતી હતી, તે હાલ વલસાડમાં રહીને પરીક્ષાની તૈયારી કરતી હતી. તેણે પોલીસ ભરતીમાં કોન્સ્ટેબલ અને પીએસઆઇ માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આગામી તારીખ 26 ના રોજ રાજકોટના મવડી પોલીસ હેડ ક્વાર્ટરના ગાઉન્ડ ખાતે ભરતી પરીક્ષાની ફિઝિકલ ટેસ્ટ હતી. બે દિવસ પહેલા રીતુ હું રાજકોટ આવી હતી અને રાજકોટના મુંજકા વિસ્તારમાં હરેશભાઈ ટાંકના મકાનમાં ભાડેથી પીજીમાં રહેતી તેની બેનપણી સાથે રોકાઈ હતી. આજે સવારે તેની બહેનપણી તેના સગા સંબંધીના ઘરે ગઈ હતી ત્યારે રૂમ ઉપર એકલી રહેલી રીતે પંખામાં ચૂંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. સગા સંબંધીના ઘરેથી પરત આવેલી બેનપણીએ દરવાજો ખખડાવતા રીતુએ દરવાજો ન ખોલતા, કંઈક અજુગતું થયાની શંકા જતા આસપાસના મકાનમાં પીજીમાં રહેતા યુવાનોને બોલાવીને દરવાજો તોડીને જોતા રીતુ ગળાફસો ખાધેલી હાલતમાં લટકતી હતી. મૃતક રીતુ નો પરિવાર જેથી કામ કરે છે જ્યારે રીતુ પોતે ત્રણ બહેનમાં નાની હતી. પોલીસે આપઘાત પાછળનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી હતી અને મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો.
રાત્રે રીતુ કોઇ સાથે ફોનમાં ઝઘડો કરતી હતી, સવારે પગલું ભરી લીધું, મોબાઇલ પોલીસ કબ્જે કરેલ
પોલીસ સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ, પોલીસે પીજીમાં રહેતી યુવતીઓની પૂછપરછ કરી હતી ત્યારે જાણવા મળેલ કે રીતુ ગઈકાલે રાત્રે ફોન પર કોઈ યુવક સાથે કોઈ બાબતે ઝઘડો કરતી હતી. તે સમયે તે ખૂબ જ ગુસ્સામાં હતી. અને પછી તેણે સવારે આવું પગલું ભરી લીધું. જેથી પોલીસે મોબાઈલ ફોન કબજે કરી રીતુ કોની સાથે ફોન ઉપર વાત કરતી હતી તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.