Jai Hind

એસ્સાર ગ્રુપ દ્વારા દ્વારકા ફુલ-ડોલ મહોત્સવ પદયાત્રી સેવા કેમ્પનું આયોજન

એસ્સાર ગ્રુપ દ્વારા તેના કજૂરડા ગામ પાસે સ્થિત પાવર પ્લાન્ટના મુખ્ય ગેટ સામે શ્રી દ્વારકા ફૂલ-ડોલ મહોત્સવમાં સહભાગી થવા જઈ રહેલા પદયાત્રીઓની સેવા અર્થે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સેવા કેમ્પનું ઉદ્ઘાટન ભારતના જાણીતા ભૂતપૂર્વ ક્રિકેટર અને જામનગરના યુવરાજશ્રી અજય જાડેજા દ્વારા કરવામાં આવ્યું. આ ઉદ્ઘાટન સમારંભમાં એસ્સાર ગ્રૂપના પદાધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત આજુબાજુના ગામના સરપંચશ્રીઓ, અન્ય અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સેવા કેમ્પ ખાતે પદયાત્રીઓ માટે ભોજન, પાણી અને આરામની સુવિધાઓ ઉપરાંત 24 કલાક મેડિકલ સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. તારીખ 24 થી 27 ફેબ્રુઆરી દરમ્યાન આયોજિત આ સેવા કેમ્પ દરમિયાન અંદાજે 1 લાખ ભાવિકો ઉપરોક્ત સેવાઓનો લાભ લેશે.
આ પ્રસંગે જામનગર યુવરાજશ્રી અજય જાડેજાએ એસ્સાર ગ્રુપના આ સેવા કાર્યને બિરદાવતા જણાવ્યું હતું કે હવેના સમયમાં આવી સામાજિક જવાબદારીઓનું નિર્વહન કોર્પોરેટ્સ દ્વારા કરવામાં આવે છે જે ખુબ સરાહનીય છે. સાથેજ યુવરાજશ્રીએ જણાવ્યું હતું કે આવા કોઈ પણ સામાજિક સેવા કાર્યમાં સહભાગી થવા તેઓ હંમેશા ઉપલબ્ધ છે.
આ અંગે વધુ માહિતી આપતા એસ્સાર ગ્રુપના રેસિડેન્ટ ડિરેક્ટર શ્રી ભાવેન ભટ્ટે જણાવ્યું હતું કે “એસ્સાર ગ્રુપ એક જવાબદાર કોર્પોરેટ નાગરિક તરીકેની ફરજ બજાવતા છેલ્લા 3 વર્ષથી આ સેવા કેમ્પનું આયોજન કરી રહ્યું છે, જે દરમ્યાન આ રૂટ ઉપર પસાર થતા લાખો શ્રદ્ધાળુઓ ભોજન, પાણી, આરામ અને મેડિકલ સહાય જેવી સેવાઓનો લાભ લે છે. જનસેવા એજ પ્રભુસેવાના નેમ સાથે આયોજિત આ કેમ્પને આસપાસના આગેવાનો અને ગ્રામજનોનો પણ સહયોગ અને અદભુત પ્રતિસાદ મળી રહ્યો છે. અમે આવા વધુ આયોજનો કરી સ્થાનિક લોકોની સેવા માટે હરહંમેશ કટિબદ્ધ રહીશું.” શ્રી દ્વારિકાધીશના ફૂલ-ડોલ ઉત્સવ અને દર્શનલાભમાં અનેરા ઉત્સાહ સાથે સહભાગી થવા જઈ રહેલા ભાવિકો આ સેવા કેમ્પની સેવાઓ લેવા ઉપરાંત અહીંયા આનંદથી ગરબા અને નૃત્ય દ્વારા પોતાની ભક્તિનું રસપાન સહુને કરાવતા જાય છે.