કોટડાસાંગાણી: તાલુકાના મોટા માંડવા ગામે સેવાના ઉમદા હેતુથી ઇતિહાસમાં પ્રથમ વખત ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ગ્રામજનો અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોએ ભારે ઉત્સાહપૂર્વક રક્તદાન કરી માનવતા મહેકાવી હતી.
જીવનદીપ બ્લડ સેન્ટરનો સહયોગ અને રક્તદાતાઓનું સન્માન આ કેમ્પમાં જીવનદીપ બ્લડ સેન્ટર દ્વારા રક્ત એકત્રિત કરવાની કામગીરી કરવામાં આવી હતી. બ્લડ સેન્ટર દ્વારા તમામ રક્તદાતાઓને પ્રમાણપત્ર આપીને તેઓની આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિશેષમાં, રક્તદાન કરનાર દાતાના પરિવારના સભ્યોને જરૂરિયાત સમયે વિનામૂલ્યે રક્ત મળી શકશે તેવી મહત્વની સુવિધા પણ જાહેર કરવામાં આવી હતી. 164 બોટલ રક્ત અને જ્વલંત સફળતા ગામના અગ્રણી હરેશભાઈ ચાવડાના નિવાસસ્થાને યોજાયેલા આ કેમ્પમાં વહેલી સવારથી જ લોકોની ભીડ જામી હતી. પ્રથમવારના આ આયોજનમાં આજુબાજુના ગામોના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા, જેના પરિણામે કુલ 164 બોટલ રક્ત એકત્રિત થયું હતું. મહાનુભાવોની પ્રેરણાદાયી ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં રક્તદાતાઓનો ઉત્સાહ વધારવા માટે રાજકોટ જિલ્લા પંચાયતના સદસ્યશ્રી, તાલુકા પંચાયતના સદસ્યશ્રી, ગામના સરપંચશ્રી તેમજ અન્ય ગામોના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ દિનેશભાઈ ચાવડા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલા આ સુંદર આયોજનની પ્રશંસા કરી હતી. ગામમાં પ્રથમ વખત યોજાયેલા આ કેમ્પની સફળતાથી ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને આગામી સમયમાં પણ આવા સેવાકીય કાર્યો થતા રહે તેવો સુર વ્યક્ત કરવામાં આવેલ.