Jai Hind

તાલાલા પંથકમાં વધતા જતા ક્રાઈમ રેટને અટકાવવા પોલીસે કોમ્બિંગ હાથ ધરતા લુખ્ખાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા

તાલાલા શહેરમાં નરસિંહ ટેકરી,સીદીવાડા ઉપરાંત સંવેદનશીલ જાંબુર ગીર,માધુપુર ગીર,સુરવા ગીર,પાણીકોઠા,જાવંત્રી ગીર,લીમધ્રા ગીર,શીરવાણ ગામોમાં છ પોલીસ ટુકડીએ કોમ્બિંગ કર્યું

તાલાલા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ગૌમાતાનું કપાયેલ મળેલ માથું તથા ગંભીર ઈજાથી મૃત્યુ પામેલ પગી ની મળેલ લાશ ઉપરાંત જાવંત્રી ગીર ગામે મર્ડર તથા આગ ચાંપવાના બનેલ બનાવો થી કાયદો અને વ્યવસ્થા તથા પોલીસ સામે ઉભો થયેલ પડકારને ડામી દેવા અસામાજિક પ્રવૃત્તિ કરનાર શખ્સો ઉપર આજ સવારથી પોલીસ કાફલો ત્રાટકતા લુખ્ખાગીરીમાં સંડોવાયેલ અસામાજીક તત્વો ભુગર્ભમાં ઉતરી ગયા હતા. ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં અગત્યની બેઠક યોજાઇ હતી એસ.પી.ના માર્ગદર્શન હેઠળ તાલાલા શહેરના સીદીવાડા તથા નરસિંહ ટેકરી વિસ્તાર ઉપરાંત તાલુકાનાં સંવેદનશીલ ગણાતા જાંબુર ગીર,માધુપુર ગીર,જાવંત્રી ગીર,લીમધ્રા ગીર,શિરવાણ વિગેરે ગામોમાં અસામાજિક પ્રવૃત્તિ તથા અસામાજિક તત્વો ઉપર તૂટી પડવા કોમ્બિંગ શરૂ કર્યું હતું.તાલાલા પંથકની ગેરકાયદેસર પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા યોજાયેલ વિશાળ કોમ્બિંગમાં બે ડી.વાય.એસ.પી,9 પી.આઈ,15 પી.એસ.આઇ સાથે ગીર સોમનાથ જિલ્લાનો 300થી વધુ પોલીસ કાફલો જોડાયો હતો. તાલાલા પંથકમાં હોળી, ધુળેટી તથા રમજાન માસના તહેવારો દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે,તાલાલા પંથકનું એખલાસ, ભાઈચારા સાથેનો સમરસતાભર્યો માહોલ જળવાઈ રહે માટે પોલીસે તાલાલા પંથકમાં સંવેદનશીલ વિસ્તાર તથા ગામોમાં એકી સાથે યોજાયેલ કોમ્બિંગથી અસામાજિક તત્વો ફફડી ગયા હતા.

તાલાલા પંથકમાં કોમ્બિંગ દરમ્યાન હથિયારો ઝડપાયા
તાલાલા પંથકમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે,અસામાજિક પ્રવૃત્તિ તથા અસામાજિક તત્વો ઉપર પોલીસની ધાક બેસાડવા તાલાલા શહેર તથા તાલુકાના સાત ગામોમાં કરેલ કોમ્બિંગ દરમિયાન પોલીસે તલવાર, કાતા, ભાલા, કુહાડી, છરી સહિતના ઘાતક હથિયારો ઉપરાંત દેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.પોલીસે પ્રોહીબિશનના પાંચ તથા જી.પી.એકટ 135 નાં છ મળી કુલ 11 શખ્સોની અટક કરી છે.પોલીસે તમામ આરોપી સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.