Jai Hind

સૂત્રાપાડામાં યોજાયેલા ‘સ્વદેશી મેળા’થી ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન

રાજ્ય સરકાર દ્વારા યોજાતા મેળામાં થતી આવકથી પરિવારને આર્થિક મદદ કરવાની ખુશી મળે છે – મિતાબહેન ચાવડા

ગીર સોમનાથ જિલ્લાની તમામ નગરપાલિકાઓમાં સ્વદેશી મેળા (શોપિંગ ફેસ્ટિવલ)નું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળા દ્વારા ‘વોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન અને સ્વસહાય જૂથો, સ્થાનિક કારીગરો, કલાકારો અને નાના વેપારીઓને પોતાની સ્વદેશી ચીજવસ્તુઓ પ્રદર્શિત અને વેચાણ કરવાની ઉત્તમ તક મળી રહી છે.
મોરાસા ગામ ના મિતાબહેન ચાવડા આ મેળામાં થ્રીડી ફોટો, એક્રેલિક ફોટો, રેડિયમ વાળી ફોટોફ્રેમ સહિત અવનવી ફોટો ફ્રેમનું વેચાણ કરી રહ્યાં છે.
મિશન મંગલમ સ્વસહાય જૂથ સાથે સંકળાયેલા મિતાબહેને પોતાનો પ્રતિભાવ વ્યકત્ કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા યોજાતા મેળાથી થતા આર્થિક ઉપાર્જન થી પરિવારને ટેકા રૂપ બનવાની ખુશી મળે છે. સરકાર દ્વારા અનેકવિધ મેળાઓ યોજવામાં આવે છે. જેનાથી મહિલા ઓને પણ પ્રોત્સાહન મળે છે.
રાજ્યમાં વિવિધ સ્થળોએ યોજાતા મેળામાં અમે પણ ભાગ લઈએ છીએ અને અમારા જૂથ દ્વારા બનાવાયેલા ફોટો ફ્રેમનું વેચાણ કરવાની તક મળે છે. આવા મેળા ઓમાં વેચાણ થકી અમે પગભર થઈ શકીએ છીએ અને પરિવારનું ભરણપોષણ કરી શકીએ છીએ. આ રીતે પરિવારને મદદ કરવાની ખુશી મળે છે.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ગ્રામ્ય અને શહેરી કારીગરો, હસ્ત કલાકારો અને નાના ઉદ્યોગોને ટેકો આપવા માટે અનેક નવી પહેલો હાથ ધરી છે. ‘ગુજરાત આત્મનિર્ભર યાત્રા’, ‘જી-મૈત્રી યોજના’, ‘મહિલા ઉદ્યોગ સહાય યોજના’ જેવા કાર્યક્રમો દ્વારા રાજ્યમાં સ્વદેશી ઉત્પાદનોને નવી ઊર્જા મળી રહી છે.