Jai Hind

પરીક્ષા કેન્દ્રો પર જરૂરી સુવિધાઓ ઉભી કરાઈ ગીર સોમનાથ જિલ્લામાં ધો.10-12 બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ

ગીર સોમનાથ જિલ્લામાં ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાનો આજે તા.26 ફેબ્રુઆરીથી શાંતિપૂર્ણ પ્રારંભ થયો છે. સવારે 10 વાગ્યા થી ધોરણ 10 ની પરીક્ષા શરૂ થતાં જ જિલ્લાના પરીક્ષા કેન્દ્રો પર ગંભીરતા અને શિસ્ત નો માહોલ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓને કુમકુમ તિલક અને પુષ્પ આપી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેનાથી તેમનામાં આત્મવિશ્વાસ અને ઉત્સાહ વધ્યો હતો.
ગીર સોમનાથ જિલ્લા શિક્ષણ અધિકારી એમ.પી. બોરીચા એ માહિતી આપતા જણાવ્યું કે, ગીર સોમનાથ જિલ્લામાં ધોરણ 10 અને 12 ના કુલ 29,511 વિદ્યાર્થીઓ બોર્ડ ની પરીક્ષા આપી રહ્યા છે. આ માટે સમગ્ર જિલ્લામાં 49 પરીક્ષા કેન્દ્રો અને 1082 બ્લોકમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. શિક્ષણ તંત્ર દ્વારા પરીક્ષા પ્રક્રિયા સુચારુ રીતે પાર પડે તે માટે અગાઉથી જ વિસ્તૃત આયોજન કરાયું હતું.
વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ અને નિર્ભય વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે તમામ પરીક્ષા કેન્દ્રો પર જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. આરોગ્ય વિભાગ દ્વારા ઇમરજન્સી સારવાર, એસ.ટી. વિભાગ દ્વારા પરિવહન સુવિધા અને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે. કેન્દ્ર આસપાસ કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ પેટ્રોલિંગ પણ ગોઠવવામાં આવ્યું છે. ગેરરીતિ વિહીન અને પારદર્શક પરીક્ષા યોજાય તે સુનિશ્ચિત કરવા માટે તમામ પરીક્ષા કેન્દ્રોના દરેક બ્લોક ને ઈઈઝટ કેમેરાથી સજ્જ કર્યા છે. જિલ્લામાં 2 ફ્લાઈંગ સ્ક્વોડ તૈનાત કરવામાં આવી છે, જે સતત વિવિધ કેન્દ્રો ની દેખરેખ રાખી રહી છે. જિલ્લા કલેક્ટર દ્વારા દરેક પરીક્ષા કેન્દ્ર પર ક્લાસ-વન અને ક્લાસ-ટુ અધિકારી ઓને ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કર્યા છે, જેથી પરીક્ષા પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે.
શિક્ષણ તંત્ર ના સુવ્યવસ્થિત આયોજન અને વિવિધ વિભાગોના સંકલિત પ્રયાસો થી જિલ્લામાં પરીક્ષાનો પ્રથમ દિવસ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હોવાનું તંત્ર દ્વારા જણાવેલ છે. આ પરીક્ષા આગામી તા.18 માર્ચ સુધી ચાલનાર છે.