Jai Hind

વેરાવળ શહેરમાં સિંહ આવી ચડતા સ્થાનિકોમાં ભયનો માહોલ

વહેલી સવારે બે સિંહણ ત્રણ બાળ સિંહો સાથે જોવા મળ્યા

વેરાવળ શહેરના પ્રમુખ નગર સોસાયટી વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે સિંહ પરિવાર પ્રવેશ્યો હતો. અત્રેના જૂનાગઢ રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિર પાછળ, બાયપાસ રોડ નજીક આવેલા આ વિસ્તારમાં વહેલી સવારે બે સિંહણ અને ત્રણ બાળ સિંહો લટાર મારતા જોવા મળ્યા હતા, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર સિંહો રાત્રિના સમયે બાયપાસ નજીક દેખાયા હતા. સવારે લોકો બહાર નીકળ્યા ત્યારે સિંહોની હાજરીની જાણ થતાં ગભરાટ ફેલાયો હતો. સોસાયટી ના કેટલાક રહેવાસીઓએ આ દ્રશ્યો પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા, જે બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. સિંહોની હાજરીથી ખાસ કરીને બાળકો અને વૃદ્ધો ની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રહેવાસીઓએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક સમયથી શહેરના સીમાડા ના વિસ્તારો માં સિંહોની અવરજવર વધી છે. ગીર સોમનાથ જિલ્લો ગીર નેશનલ પાર્કની નજીક આવેલો હોવાથી, સિંહોની સંખ્યા અને તેનો વિસ્તાર વધતા તેઓ હવે રહેણાંક વિસ્તારો તરફ પણ આવી રહ્યા હોવાનું મનાય છે. પાણી અને ખોરાકની શોધમાં સિંહો ગામડા અને શહેર ના સીમાડે પહોંચતા હોવાના કિસ્સાઓ અગાઉ પણ નોંધાયા છે. આ અંગેની જાણ થતાં વન વિભાગની ટીમે વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધું છે. રહેવાસીઓને રાત્રિના સમયે સાવચેતી રાખવા, એકલા બહાર ન નીકળવા અને સિંહ દેખાય તો તાત્કાલિક જાણ કરવા સૂચના ઓ આપવામાં આવી છે.
શહેરના સીમાડે સિંહોની વારંવારની અવરજવરથી માનવ-વન્ય જીવ સહઅસ્તિત્વ ના પ્રશ્ન ફરી ચર્ચામાં આવ્યો છે. સ્થાનિકોમાં હાલ માટે સાવચેતી જ એકમાત્ર ઉપાય હોવાનું મનાઈ રહ્યું છે.