Jai Hind

વાંકાનેરના વિઠ્ઠલપર ગામેથી 33 કેવી વિન્ડ લાઇનમાંથી એલ્યુ.વાયરની ચોરી

પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપરથી સમથેરવા સુધી ચાલતા 33 કેએવી વિન્ડ ટ્રાન્સમિશન લાઇનના કામ દરમિયાન અજાણ્યા ઇસમોએ કુલ 3680 મીટર એલ્યુમિનિયમ વાયર (ક્ધડક્ટર) અંદાજે 3000 કિ.ગ્રા.ની ચોરી કરી જતા ખાનગી કંપનીને રૂ.11.04 લાખનું નુકસાન થયું છે. ઉપરાંત સ્ટ્રિંગિંગ કરેલ 1770 મીટર વાયર(ક્ધડક્ટર) કાપી નાખતા રૂ. 5.31 લાખનું વધારાનું નુકસાન થયું છે. આમ કુલ રૂ.16.35 લાખના નુકસાન અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદને આધારે ગુનો નોંધાયો છે.
ચોરીના બનાવ અંગે મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી જયેશભાઈ મધુભાઈ સાંજવા ઉવ.39 રહે. રાજકોટ રાધા રેસિડેન્સી અયોધ્યાચોક વાળા જેઓ ઓપેરા એનર્જી પ્રા. લી. કંપનીમાં એન્જિનિયરિંગ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવે છે. તેમની કંપનીએ કલીન મેક્ષ એન્વિરો એનર્જી સોલ્યુશન્સ લિ.ને પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હોય અને વાંકાનેર તાલુકામાં સોલાર/વિન્ડ વીજ ઉત્પાદન તેમજ વીજ પરિવહન માટે વધાસીયાથી સમથેરવા સુધી 33 કેએવી વિન્ડ લાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે.
જેમાં ગત તા. 01/12/2025ના સાંજે સાત વાગ્યાથી તા.02/12/2025ના સવારે નવ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન તેમજ ત્યારબાદ અલગ અલગ તારીખે સાઈટ પરથી એલ્યુમિનિયમ ક્ધડક્ટર વાયર ચોરી થયાની ઘટના સામે આવી છે. ચોરી થયેલ મુદ્દામાલ મુજબ તા. 02/12/2025ના રોજ 850 મીટર કિ.રૂ. 2,55,000/-, તા.10/12/2025 1150 મીટર કિ.રૂ. 3,45,000/-, તા.23/12/2025 500 મીટર કિ.રૂ. 1,50,000/-, તા.13/01/2026 420 મીટર કિ.રૂ.1,26,000/-, તા.16/02/2026 760 મીટર કિ.રૂ. 2,28,000/- આ રીતે કુલ 3680 મીટર, અંદાજે 3000 કિલોગ્રામ વજનનો એલ્યુમિનિયમ વાયર ક્ધડક્ટર કુલ કિ.રૂ. કિંમત રૂ.11,04,000/- ચોરી થઈ હોવાનું તેમજ આ ઉપરાંત તા. 20/01/2026ના આગલા દિવસે સ્ટ્રિંગિંગ કરાયેલ 33 કેએવી વિન્ડ ટ્રાન્સમિશન લાઇનનો 1770 મીટર વાયર ક્ધડક્ટર કિ.રૂ. 5,31,000/- અજાણ્યા શખ્સોએ કાપી કટકા કરી નાખતા કંપનીને વધુ નુકસાન થયું છે. હાલ વાંકાનેર તાલુકા પોલીસે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.