વીજ કરંટ લાગતા પીર લાખાસરના યુવાનનું મોત
દ્વારકાધીશ સંગ ફૂલડોલ ઉત્સવ ઉજવવા ભાવિકોમાં અનેરો થનગનાટ છે. સમગ્ર રાજયમાંથી દ્વારકા તરફ પદયાત્રીઓ જઇ રહ્યા છે. ભાણવડ નજીક સ્કુટરે પદયાત્રીને ઠોકરે લેતા મહિલા પદયાત્રીનું મોત નિપજયું હતું. જયારે વીજ કરંટ લાગતા પીર લાખાસરના યુવાનનું મૃત્યુ નીપજવાનું પોલીસ ચોપડે નોંધાયું છે
સ્કૂટરની ઠોકરે પદયાત્રી યુવાનનું મૃત્યુ: દંપતિ ખંડિત
ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામે રહેતા ગોવિંદભાઈ સિસોટીયા નામના આહીર યુવાન ગત તારીખ 25 ના રોજ રાત્રિના સમયે તેમના ધર્મપત્ની જમનાબેનને સાથે લઈને દ્વારકા ખાતે હોળી નિમિત્તે પગપાળા ચાલીને દર્શન કરવા જઈ રહ્યા હતા. ત્યારે રાણા રોજીવાડા ગામ નજીક પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા આર.જે. 30 એસ.એક્સ. 4801 નંબરના એક મોટરસાયકલના ચાલકે ગોવિંદભાઈ સિસોટીયાને પાછળથી અડફેટે લેતા તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમને ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે ભાણવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત સર્જીને આરોપી મોટરસાયકલ ચાલક પોતાનું મોટરસાયકલ મૂકીને નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ નારણભાઈ વરવાભાઈ સિસોટીયાની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે અજાણ્યા મોટરસાયકલ ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એલ.એમ. પુરોહિત દ્વારા હાથ ધરવામાં આવી છે.
વીજ કરંટ લાગતા યુવાનનું મૃત્યુ
ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામે રહેતા ડાડુભાઈ ધનાભાઈ છૈયા નામના 47 વર્ષના યુવાન પોતાની વાડીએ ખેતીવાડીની પાણીની લાઈનની મોટરનું લાઈટ કનેક્શન લીધું હતું અને સ્વીચ બોર્ડમાં લાઈટ ન આવતી હોય, જે ચેક કરતી વખતે તેમને અચાનક જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. જેથી તેમને ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં વધુ સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણે હિતેશભાઈ છૈયા (રહે. પીર લાખાસર) એ અહીંની પોલીસને કરી છે.
ઝેરી મધમાખીના દંશથી પ્રૌઢનું મૃત્યુ
ભાણવડ તાલુકાના ખારાવાડ ગામના મૂળ રહીશ અને હાલ રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા પ્રફુલભાઈ પોપટભાઈ નકુમ નામના 59 વર્ષના સતવારા પ્રૌઢ ભાણવડ ખાતે આવી રહ્યા હતા. ત્યારે વાનાવડ ગામના પાટીયા નજીક ઝેરી મધમાખી તેમને કરડી જતા વધુ સારવાર અર્થે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પત્ની ભાનુબેન પ્રફુલભાઈ નકુમએ ભાણવડ પોલીસને કરી છે.
ઓખામાં માછીમાર વૃદ્ધને
હાર્ટ એટેક આવ્યો
નવસારી જિલ્લાના મૂળ રહીશ અને હાલ ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ રણછોડભાઈ પટેલ નામના 60 વર્ષના માછીમાર વૃદ્ધને ઓખાના દરિયામાં 10 નોટિકલ માઈલ દૂર બોટમાં જમીને સુતા બાદ મધ્યરાત્રિના સમયે હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવા અંગેની જાણ ઓખા મરીન પોલીસમાં કરવામાં આવી છે.
ટોકન વગર માછીમારી કરતા માછીમાર સામે કાર્યવાહી
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા મામદ અબ્દુલ સુંભણીયા નામના 55 વર્ષના માછીમાર પ્રૌઢએ કોઈપણ પ્રકારની પરવાનગી વગર તેમજ ઓનલાઇન ટોકન મેળવ્યા વગર તેમજ હોળીના રજીસ્ટ્રેશનના કાગળ સાથે રાખ્યા વગર માછીમારી કરીને પરત આવતા વાડીનાર મરીન પોલીસે ઝડપી લઇ, તેની સામે ગુજરાત ફિશરીઝ એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.
ઓખામાં બે જુગારીઓ ઝડપાયા
ઓખામાં એક મંદિરની પાછળના ભાગમાં બેસીને ગંજીપાના વડે જુગાર રમી રહેલા દેવ કિરણભાઈ ચૌહાણ અને મયુરભા પબુભા સુમણીયા નામના બે શખ્સોને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.