હાથ-પગ ઉપર ટ્રકના તોતીંગ વીલ ફરી વળતા ઘટના સ્થળે જ મૃત્યુ
રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલા કુચિયાદડ જીઆઈડીસીમાં કારખાનામાં ટ્રક લેવડાવતી વેળાએ ટ્રકના વ્હીલ હેઠળ આવી જતા ચોકીદાર વૃધ્ધનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ટ્રકના ચાલકની બેદરકારીના કારણે ચોકીદાર વૃધ્ધ અડફેટે ચડી જતા તેમના હાથ અને પગ છૂંદાઇ ગયા હતા. આ અંગે પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહાવીર ગામે બનાવ અંગે બામણબાર ગામે રહેતા અને કુચિયાદડ જીઆઇડીસીમાં આવેલા આલ્ફા કોસ્ટોવેર નામના કારખાનામાં ચોકીદાર તરીકે નોકરી કરતા વિનુભાઈ હરજીભાઈ ગોહીલ (ઉ.વ.67) નામના વૃધ્ધ ગઈ તા. 25 ના રાત્રે નાઇટ ડયુટીમાં ચોકીદાર તરીકે ફરજ પર હતા. દરમિયાન ગઈકાલે સવારે છ વાગ્યાના અરસામાં ટ્રેક આવતા તેઓ કારખાનાનો મેઇન ગેઇટ ખોલી ટ્રકને કારખાનામાં લેવડાવતા હતા. ત્યારે ટ્રક ચાલકે બેદરકારીથી ટ્રક ચલાવતા ચોકીદાર વૃધ્ધ અડફેટે ચડી ગયા હતા અને ટ્રકનું તોતિંગ વ્હીલ માથે ચડી જતા તેમનો ડાબો હાથ અને પગ છુદાઈ જતા ઘટના સ્થળે જ તેમનુ મોત નીપજ્યુ હતું.
બનાવની જાણ થતા પરિવારજનો પણ કારખાને દોડી ગયા હતા. દરમિયાન 108 ની ટીમ દોડી આવતાં ઇએમટીએ જોઈ તપાસી તેઓને મૃત જાહેર કરતા પોલીસને જાણ કરવામાં આવતા એરપોર્ટ પોલીસ મથકના પીએસઆઈ એસ.એસ.જાડેજા સહિતના સ્ટાફે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે કુવાડવા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક વૃધ્ધ છેલ્લા બે વર્ષથી આપે કારખાનામાં ચોકીદાર તરીકે નોકરી કરતા હતા. તેમને સંતાનમાં બે પુત્ર હોવાનુ જાણવા મળ્યુ છે. આ અંગે મૃતક વૃધ્ધના પુત્ર શૈલેષભાઈ (ઉ.વ.35)એ એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.