Jai Hind

ગીર સોમનાથ જિલ્લામાં ‘સર્વાઇકલ કેન્સર ફ્રી ઇન્ડિયા’ રસીકરણ અભિયાનનો પ્રારંભ

14 વર્ષની કિશોરીઓને નિ:શુલ્ક અપાશે એચ.પી.વી વેક્સિન : ગર્ભાશયના મુખના કેન્સર સામે મજબૂત સુરક્ષા કવચ આપશે રસીકરણ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા.28 ફેબ્રુઆરીના રોજ અજમેર (રાજસ્થાન) ખાતે થી મહિલાઓમાં ગર્ભાશય મુખના કેન્સર વિરોધી એચ.પી.વી. રસીકરણ નો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરાવશે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પણ રસીકરણ અભિયાનનો પ્રારંભ થશે. આ અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં પણ સર્વાઈકલ કેન્સર ફ્રી ઈન્ડિયા રસીકરણ અભિયાન અંતર્ગત 14 વર્ષની કિશોરીઓને નિ:શુલ્ક એચ.પી.વી વેક્સિન આપવામાં આવશે. ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટર સ્નેહલ ભાપકરે પ્રાંત ઓફિસ વેરાવળ ખાતે મિટિંગ યોજીને સુનિયોજીત રીતે ગીર સોમનાથ જિલ્લામાં આ અભિયાન અંતર્ગત વધુ રસીકરણ થાય એ સુનિશ્ચિત કરવા અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતાં. આ અંગેની વધુ વિગતો આપતા જિલ્લા આરોગ્ય અધિકારી અરુણ રોયે જણાવ્યું હતું કે, એચ.પી.વી રસીકરણ અભિયાન અંતર્ગત અપાનાર આ રસી ગર્ભાશયના કેન્સરથી સુરક્ષા આપે છે અને વૈજ્ઞાનિક રીતે સુરક્ષિત તથા અસરકારક છે. સર્વાઈકલ કેન્સર સામે રક્ષણ આપવા માટે જિલ્લાભરમાં 14 વર્ષની ઉંમર ધરાવતી કિશોરીઓને રસી આપવામાં આવશે. વેક્સીનેશન અમેરિકા, કેનેડા સહિતના કેટલાક દેશોમાં આપવામાં આવે છે અને ભારતમાં પણ આપવામાં આવે છે. જોકે, પ્રાઈવેટ કેન્દ્રોમાં અપાતી હોવાના કારણે તે મોંઘી પડે છે. જેથી આ અભિયાન અંતર્ગત પાત્રતા ધરાવતી જિલ્લાની 14 વર્ષની કિશોરીઓને વાલીઓની સંમતિ લઈને તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ – પી.એચ.સી, સી.એચ.સી ઉપજિલ્લા હોસ્પિટલ તથા જિલ્લા હોસ્પિટલ ખાતે એક જ ડોઝ ની એચ.પી.વી રસી નિ:શુલ્ક આપવામાં આવશે. ગીર સોમનાથ જિલ્લામાં ગર્ભાશયના મુખના કેન્સર સામે મજબૂત સુરક્ષા કવચ ઉભું કરી રોગ સામે રક્ષણ આપવામાં આ અભિયાન મહત્વનું બની રહેશે એમ જણાવી કિશોરીઓને ગર્ભાશય ના મુખના કેન્સરથી સુરક્ષિત કરવા અને સહકાર આપવા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વાલીઓને અનુરોધ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત શિક્ષણ વિભાગ સાથે સંકલન કરીને નોડલ શિક્ષક દ્વારા પાત્ર કિશોરીઓની યાદી આરોગ્ય વિભાગ ને આપવામાં આવશે. આરોગ્ય કર્મચારી અને નોડલ શિક્ષકો દ્વારા રસીકરણ પૂર્વે અને રસી અંગે જાગૃતિ કાર્યક્રમો યોજાશે.