Jai Hind

સૌરાષ્ટ્રના દરિયાકિનારેથી ડ્રગ્સના દુષણને દુર કરો: ડીજીપી રાવ

સરકારી કચેરી, કોર્ટ, સ્કુલને ઉડાવી દેવાની ધમકીનાં કેસમાં આરોપીઓને પકડવા સોર્સ સુધી પહોંચ્યા: સાયબર ફ્રોડમાં રિકવરી રેટ વધારવા તુરંત ફરીયાદ કરવા ડીજીપીની અપીલ

રાજ્યના પોલીસ વડા કે. એલ. એન. રાવ દ્વારા આજે 1 માર્ચના સૌરાષ્ટ્ર રિજિયનની ક્રાઈમ કોન્ફરન્સ સંબોધવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં રાજકોટ, જૂનાગઢ, ભાવનગર રેન્જ સહિતના રેન્જ આઇજી, પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ વડા તેમજ ઉઈઙ સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહ્યાં હતાં. સૌરાષ્ટ્રના દરિયા કિનારેથી ઝડપાતા ડ્રગ્સ સહિતના નશાકારક પદાર્થો અંગે ચિંતા વ્યક્ત કરી વિશેષ ધ્યાન આપવા સૂચના અપાઈ હતી. તો સાયબર ફ્રોડના વધતા કેસો અટકાવવાની સાથે લોકોને ઝડપી રિકવરી મળે તે માટે ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન રૂ.50 કરોડ પરત અપાયા હોવાનું જાહેર કરાયું હતુ.
આ ઉપરાંત રાજ્યમાં સરકારી કચેરીઓ, કોર્ટ અને સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના કેસોમાં આરોપીને પકડવા માટેના સોર્સ સુધી પહોંચી ગયાનું જાહેર કર્યું હતું, પરંતુ તે સોર્સ વિદેશમાં હોય તેના માટે સેન્ટર ઓફ એક્સેલન્સ અને હાઈએસ્ટ લેવલની ક્રાઇમ બ્રાન્ચની ટીમ કાર્યરત હોવાનું જણાવ્યુ હતુ. જ્યારે રાજકોટ શહેરમાં ક્રાઈમ થયા બાદ પોલીસમાં રિસ્પોન્સ ટાઈમ 14 મિનિટથી ઘટીને 7 મિનિટ થયાનું જાહેર કર્યું હતુ.
રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા કે. એલ. એન. રાવે જણાવ્યુ હતુ કે, આજે સૌરાષ્ટ્ર ઝોનની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઇ હતી, જેમાં રાજકોટ, ભાવનગર અને જુનાગઢ રેન્જ સહિતના વિસ્તારોના આઈ. જી. તેમજ પોલીસ અધિક્ષક તેમજ ડીસીપી સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં નાર્કોટિક્સ, સાયબર ફ્રોડ અને રોડ એકસ્માત જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ડાયલ 112 અંગે પણ જાગૃતિ આપવાની વાત કરવામાં આવી હતી.
આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરનો રિસ્પોન્સ ટાઈમ 12 અને 14 મિનિટ હતો, જે ઘટીને 7 મિનિટ થઈ ગયો છે. જ્યારે અન્ય રેન્જમાં પણ રિસ્પોન્સ ટાઈમ 50% ઘટી ગયો છે તે સારી વાત છે. રાજકોટ, જૂનાગઢ અને ભાવનગર રેન્જમાં દરિયાકિનારો છે, ત્યારે ત્યાંથી પકડાતા ડ્રગ્સ અને અન્ય ગેરકાયદેસર પ્રવૃતિઓ બંધ થાય તે માટે વિશેષ ધ્યાન આપવાની સૂચના આપવામાં આવી છે. રાજકોટ, ભાવનગર, જૂનાગઢના રેન્જ આઇજી અને દેવભૂમિ દ્વારકા-સુરેન્દ્રનગર સહિતના સૌરાષ્ટ્રના જિલ્લાના એસ.પી. હાજર રહ્યાં.
કોર્ટ, સ્કૂલો અને સરકારી કચેરીઓને બોમ્બની ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે, તેનાથી હું અવગત છું. ફેઇક આઇડી સહિતની બાબતો અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. ફોરેન આધારિત વીપીએન ના ઉપયોગથી ફેઇક કોલ કરતા હોય છે અને ઈમેલ મોકલતા હોય છે, જે માટે અમે સોર્સ સુધી પહોંચી ગયા છીએ. પરંતુ તે સોર્સ દેશની બહારનું હોય તો તે માટે સેન્ટર ઓફ એક્સેલન્સ અને હાઈએસ્ટ લેવલની ક્રાઇમ બ્રાન્ચની ટીમ કાર્યરત છે.
રાજ્યના લોકો સાથે થઈ રહેલા સાઇબર ફ્રોડ અને તેના રિકવરી રેટ બાબતે જણાવ્યું હતું કે, સાયબર ફ્રોડ થાય તેમાં ગોલ્ડન અવર્સ હોય છે. લોકોએ જેટલું બને તેટલું વહેલું 1930 પર ફરિયાદ કરવી જોઈએ તો નાણાનું ટ્રાન્ઝેક્શન રોકી શકીએ. જોકે રૂ.50 કરોડ પરત કર્યા હોવાનું જણાવ્યું હતું. વહેલી ફરિયાદ થાય તો એકાઉન્ટ ફ્રીઝ કરી શકાય અને જેની સાથે ફ્રોડ થયું હોય તેને નાણાં પરત આપી શકાય. લોન અને ઇન્વેસ્ટમેન્ટના ફ્રોડ માત્ર વ્યક્તિ પાંચ અથવા છઠ્ઠી મુદતમાં આવે છે અને કહે છે કે છેલ્લા પાંચ મહિનાથી રૂપિયા ભરું છું અને મારી સાથે હવે છેતરપિંડી થઈ છે. જ્યારે ઇઝરાયલ અને અમેરિકા દ્વારા ઈરાન પરના હુમલાને લીધે દુબઈ જતી ફ્લાઈટ બંધ કરી દેવામાં આવી છે અને ત્યાં ગુજરાતીઓ ફસાયા છે, ત્યારે આ બાબતે તેમણે જણાવ્યું હતું કે, મિનિસ્ટ્રી ઓફર્સ સહિતની એજન્સીઓ સાથે અમે સંકલનમાં છીએ.

જંગલેશ્ર્વર ક્રાઇમ ફ્રી બનશે
રાજકોટના જંગલેશ્વરમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા ડિમોલિશન બાદ આજે 1 માર્ચે રાજ્યના પોલીસ વડા અહીં સરપ્રાઈઝ વિઝીટ માટે પહોંચ્યા હતા. જ્યાં મુલાકાત બાદ તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ શહેર પોલીસને હું અભિનંદન આપું છું કારણકે સૌરાષ્ટ્રનું સૌથી મોટું ડીમોલિશન અહીં શાંતિપૂર્વક રીતે થયું હતુ. જેમાં સ્થાનિક પોલીસ ઉપરાંત સ્ટેટ લેવલથી એસઆરપી સહિતની ટીમ ફાળવવામાં આવી હતી. આવનારા દિવસોમાં અહીં જે કંઈ પણ દબાણો છે તે દૂર કરી આ વિસ્તારને ક્રાઈમ ફ્રી બનાવવામાં આવશે.