રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જીવન કવનનું ગાન કરશે મોરારિબાપુ: કથાને લઇને તડામાર તૈયારી
મોરારીબાપુના કુલ કથા ક્રમની 973મી રામકથા 7 માર્ચથી બગસરા ખાતે આરંભાશે. સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ સાહિત્યકાર – સંશોધક ઝવેરચંદ મેઘાણીની પુણ્ય સ્મૃતિ રૂપે, એમના પૈતૃક વતન બગસરામાં કથાનું આયોજન ગોઠવાયું છે.
મેઘાણીભાઇનું દેહાવસાન 9 માર્ચ, 1946માં બોટાદ ખાતે થયેલું. એ રીતે એમની એંસીમી પુણ્ય તિથિના અનુસંધાને, સમગ્ર ગુજરાતનું સાહિત્ય વિશ્વ, “માનસ મેઘાણી” રામકથાનાં માધ્યમથી એક સમર્થ સાક્ષરનું પુણ્ય સ્મરણ કરશે.
ઉલ્લેખનીય છે કે 4 જાન્યુઆરી 2020 માં ગુજરાતના મહા કવિ ઉમાશંકર જોશીના સ્મરણમાં તેમના વતન બામણા(હિંમતનગર) ખાતે પૂજ્ય બાપુએ “માનસ ઉમાશંકર” શિર્ષક અંતર્ગત કથા ગાન કરેલું. એ વખતે બાપુએ વ્યાસપીઠ પરથી મેઘાણીભાઇને અંજલિ આપવા માટે “માનસ મેઘાણી” કથા કરવાનો મનોરથ વ્યક્ત કરેલો.
કથા ગાન માટે સ્થળ પસંદગી માટે ચોટીલા, બોટાદ, રાણપુર, પાળીયાદ, અમરેલી…. વગેરે નામો વિચારાધિન હતા. પરંતુ આખરે મેઘાણીભાઇના માદરે વતન બગસરા પર વ્યાસપીઠે પસંદગી ઉતારી અને એ રીતે યોગ, લગન, ગ્રહ, વાર અને તિથિ અનુકૂળ થતાં પૂજ્ય બાપુના મુખથી માનસ કથા સાથે મેઘાણી કથા આરંભાઇ રહી છે.
બગસરામાં પૂજ્ય બાપુની અગાઉ એક કથા થઇ ચૂકી છે – કુલ કથા ક્રમની એ 217 મી કથા હતી, જે 6-5-1980 માં યોજાયેલી.
બગસરાની આગામી કથા 7-3-2026 થી આરંભાશે. બરાબર 45 વર્ષ અને દસ મહિના પછી (46 વર્ષ) પછી બાપુની વ્યાસપીઠ બગસરા પધારી રહી છે.
આવા અનોખાં વ્યક્તિત્વના સ્વામી, સમર્થ સાહિત્યકાર, લોક સાહિત્યકાર- વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, કવિ, અનુવાદક, સંશોધક, પત્રકાર….. એમ સાહિત્યની વિધવિધ વિધાઓના જ્ઞાતા, મહા માનવ મેઘાણીભાઇને તેમની એંસીમી પુણ્યતિથિ નિમિત્તે પૂજ્ય બાપુ માનસના માધ્યમથી શ્રદ્ધાંજલિ – સ્મરણાંજલિ આપવા બગસરા આવી રહ્યા છે.
તલગાજરડી ત્રિભુવનીય વિશ્વ વાટિકાના ફ્લાવર્સ અને ગુજરાતી સાહિત્ય વિશ્વ સાથે સંકળાયેલ મહાનુભાવોએ કથાનું રસપાન કરવા બગસરાની વાટ પકડી છે.પુ. બાપુ નો ઉતારો વર્ષો થી જેમની સાથે હ્યદય નો નાતો છે એવા હાલરીયા ના દરબાર બદરુબાપુ ના નિવાસ સ્થાને રાખવામા આવેલ છે. બદરુબાપુ ના પુત્ર લવકુભાઈ વાળા બાપુની સેવા મા સાથે સતત રહે છે. બગસરા તથા સમિતિ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવે તે માટેનું પણ આમંત્રણ ધારાસભ્ય દ્વારા આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર ભરના દેહાણી ની જગ્યા ના સંતોની પણ ખાસ ઉપસ્થિતિ રહેવાની છે. કાર્યક્રમને આખરે પૂર્ણતાને વિશાળ કથા મંડપ બે બીજા સમીયાણા મા ભાઈઓ અને બહેનોને જમવા માટે અલગ તેમજ સાધુ-સંતો માટે બેસવાનો સમીયાણો અલગ રાખેલ છે. ખાસ રસોડા માટેનો સ્પેશ્યલ વ્યવસ્થા તેમજ કથા બાજુમાં વિશાળ સંખ્યામાં પાર્કિંગ વ્યવસ્થા અને મેળાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. લોકો સ્વયંભૂ કથા ની તૈયારી મા લાગી 80% કામ પૂર્ણતાને આ રહેશે સમગ્ર વિસ્તારમાં ધાર્મિક વાતાવરણ જોવા મળે છે.